
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં એક જનસભાને સંબોધિત કરી કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે : મોદી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વાતાવરણ બદલાયેલો છે, લોકોનો મિજાજ બદલાયેલો છે અને આખા કેરળમાં પરિવર્તનની ભાવના જાેવા મળી રહી છે કેરળમાં અત્યારે પૂરેપૂરો ચૂંટણીનો માહોલ જામ્યો છે. અહીંની જનતા ૯ એપ્રિલના રોજ મતદાન કરશે અને પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે. ચૂંટણી રેલીઓના નારા આખા પ્રદેશમાં સંભળાઈ રહ્યા છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં એક જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમણે કહ્યું કે, કેરળમાં આ વખતે બદલાવ નક્કી છે અને LDF સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેમણે યુદ્ધ વચ્ચે નિવેદનબાજી કરવા બદલ કોંગ્રેસ અને તેના સહયોગીઓને ચેતવણી પણ આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં લોકોની હાજરી NDA2 પ્રત્યે જનતાના વિશ્વાસને દર્શાવે છે. તેમણે ખાસ કરીને માતાઓ અને બહેનોના સમર્થનને સ્નેહ અને વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું. વડાપ્રધાને કહ્યું કે, તેમને કેરળની ચૂંટણીને નજીકથી જાેવાની તક મળી છે. તેઓ પહેલા પણ આ રાજ્યમાં આવી ચૂક્યા છે, પરંતુ આ વખતે માહોલ અલગ દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, વાતાવરણ બદલાયેલો છે, લોકોનો મિજાજ બદલાયેલો છે અને આખા કેરળમાં પરિવર્તનની ભાવના જાેવા મળી રહી છે. વડાપ્રધાન મોદીએ દાવો કર્યો છે કે, કેરળમાં હવે મોટું રાજકીય પરિવર્તન થવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ૯ એપ્રિલના રોજ મતદાન અને ૪ મેના રોજ પરિણામોની જાહેરાત સાથે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. વડાપ્રધાને કહ્યું છે કે, LDF સરકાર માટે હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને પહેલીવાર ભાજપ અને NDA ની સરકાર બનવા જઈ રહી છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને તેના સહયોગીઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, કેટલાક નેતાઓ એવા નિવેદનો આપી રહ્યા છે, જે ખાડી દેશોમાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે ખતરો બની શકે છે.
વડાપ્રધાને કહ્યું કે, લાખો ભારતીયો ખાડી દેશોમાં કામ કરે છે અને ત્યાંની સરકારો તેમને પોતાના પરિવારની જેમ માને છે. આ વિશ્વાસ ભારતના સારા સંબંધોને કારણે બન્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, અત્યારે એવી વાતો ન કરવી જાેઈએ જેનાથી ત્યાંના લોકોમાં અવિશ્વાસ પેદા થાય. રાજનીતિ પોતાની જગ્યાએ છે, ચૂંટણી તો આવતી-જતી રહેશે, પરંતુ મારા માટે કેરળના લોકોની સુરક્ષા સૌથી મોટું કામ છે અને હું તેના માટે પ્રતિબદ્ધ છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ LDF અને UDF પર સીધો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ પાર્ટીઓ જૂઠ ફેલાવવામાં માહિર થઈ ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષે અનેક મુદ્દાઓ પર લોકોને ગેરમાર્ગે દોર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિપક્ષે કેરળ ફાઇલ્સ, કાશ્મીર ફાઇલ્સ અને ધુરંધર જેવી ફિલ્મોને જુઠાણું ગણાવ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું કે, હવે એ જ પાર્ટીઓ FCRA અને UCC જેવા મુદ્દાઓ પર પણ ખોટી માહિતી ફેલાવી રહી છે.
વડાપ્રધાન કેરલમમાં સબરીમલા મંદિરના વિવાદ મુદ્દે પણ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘લેફ્ટ અને કોંગ્રેસ કેરલમની મહાન સંસ્કૃતિ અને આસ્થા મુદ્દે ભ્રષ્ટાચાર અને તૃષ્ટીકરણનો ખેલ રમીને સબરીમાલા તીર્થને બદનામ કરવાનો પ્રયાસ રચ્યો હતો અને હવે તેઓ માટે આ તીર્થ લૂંટનો અડ્ડો બની ગયો છે. સબરીમાલામાં જે થયું તે એક ષડયંત્ર હતું. LDF સરકારમાં સબરીમાલામાં ચોરી થઈ અને તેનું કનેક્શન કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે જાેડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ જ કારણે એલડીએફ સરકાર ચોરીની તપાસ સીબીઆઈને સોંપી રહી નથી.’




