
૧૪ ધારાસભ્યો કરી શકે છે પક્ષપલટો ઓપરેશન ટાઈગર ૨.૦: મહારાષ્ટ્રમાં ફરીવાર રાજકીય ભૂકંપના એંધાણ ઉદ્ધવ ઠાકરેએ ગઢ બચાવવા આઉટરીચ કાર્યક્રમ શરૂ કર્યો મહારાષ્ટ્રના રાજકારણમાં એકવાર ફરી બહુ મોટા રાજકીય ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. શિવસેના (UBT) ના ૬ લોકસભા સાંસદો એકનાથ શિંદે જૂથમાં જાેડાયાના ગણતરીના દિવસોમાં જ ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો આંચકો આપવાની તૈયારીઓ થઈ ગઈ છે. શિંદે સરકારના કેબિનેટ મંત્રી ગુલાબરાવ પાટીલે શુક્રવારે એક ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ‘ઓપરેશન ટાઇગર ૨.૦’ શરૂ થઈ ચૂક્યું છે. પાટીલના જણાવ્યા મુજબ, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના ૧૪ થી વધુ ધારાસભ્યો ખૂબ જ ટૂંક સમયમાં પક્ષ પલટો કરીને એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવા જઈ રહ્યા છે. હાલની વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાસે કુલ ૨૦ ધારાસભ્યો બચ્યા છે. જેમાંથી ૧૦ ધારાસભ્યો માત્ર મુંબઈના છે. આમાં આદિત્ય ઠાકરે અને વરુણ સરદેસાઈ જેવા મોટા ચહેરાઓ પણ સામેલ છે. પક્ષ પલટા વિરોધી કાયદા મુજબ, જાે કોઈ જૂથ પોતાની સદસ્યતા ગુમાવ્યા વિના અલગ થવા માંગતું હોય, તો તેને ઓછામાં ઓછા બે-તૃતીયાંશ ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે છે. એટલે કે ૨૦ માંથી બરાબર ૧૪ ધારાસભ્યોનું તૂટવું કાનૂની રીતે જરૂરી છે, અને શિંદે જૂથનો દાવો આ જ મેજિક નંબર સુધી પહોંચવાનો છે. ચોમાસુ સત્ર દરમિયાન ઉદ્ધવ જૂથના ૪ ધારાસભ્યો મુખ્યમંત્રી શિંદેને ગુપ્ત રીતે મળ્યા હોવાની ચર્ચાઓ પણ જાેરશોરથી ચાલી રહી છે.
આ સંભવિત ભંગાણની અફવાઓ વચ્ચે શિવસેનાએ આક્રમક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં પાર્ટી છોડનારા ૬ સાંસદો પર પ્રહાર કરતા ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, “ભગતસિંહ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ બાગી હતા, જેમણે દેશ માટે લડત આપી. પરંતુ જેઓ આપણા ચિન્હ પર જીતીને પક્ષ બદલી ગયા, તેઓ બાગી નહીં પણ ગદ્દાર છે. તેઓ ૫૦ થી ૬૦ કરોડ રૂપિયામાં વેચાઈ ગયા છે.” પોતાનો બચેલો કિલ્લો બચાવવા માટે ઉદ્ધવ ઠાકરેએ નાગપુરથી ત્રણ દિવસીય મોટો પોલિટિકલ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યો છે અને તેઓ બાગી સાંસદોના મતવિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. મહારાષ્ટ્રની આ ગરમાયેલી રાજનીતિ વચ્ચે શુક્રવારે એક અત્યંત રસપ્રદ નજારો જાેવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે શુક્રવારે એક જ કોમર્શિયલ ફ્લાઇટમાં સાથે મુસાફરી કરતા જાેવા મળ્યા હતા. તેમની સાથે આદિત્ય ઠાકરે અને સંજય રાઉત પણ હાજર હતા. ફ્લાઇટની અંદરની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રાજકીય ગલિયારામાં અનેક નવી અટકળો અને સમીકરણોની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.



