
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશભરમાં ચાલી રહેલા ગણેશોત્સવ ના પાવન તહેવારના દિવસો દરમિયાન સોશ્યલ મીડિયા પર લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે લોકો કેટલી હદે જઈ શકે છે, એનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માલેગાવના બાઈકર સ્ટન્ટમેને ગણપતિબાપ્પાની મૂર્તિ સાથે ચાલતી મોટર સાઈકલ પર અત્યંત જોખમી કરતબો કર્યા છે. ભગતસિંહ નામના આ સ્ટન્ટમેને ગણેશજીની મૂર્તિ માથા પર મૂકીને પુરપાટ ઝડપે દોડતી બાઈક પર ઊભા રહીને આ જોખમી સ્ટન્ટ કર્યા હતા. એ સ્ટન્ટમાં યુવકે પોતાની સાથે બાપ્પાની મૂર્તિની ગરિમા અને પવિત્રતાને પણ જાણે દાવમાં મૂકી દીધી છે.
સ્ટન્ટમેને પહેલાં બાપ્પાની નાની મૂર્તિ પોતાના માથા પર મૂકી દીધી હતી. આટલું ઓછું હોય એમ ચાલતી બાઈકે આ મહાશય સીટ પર બંને પગ રાખીને સીધા ઉભા થઈ ગયા અને બેલેન્સ જાળવીને તેજ રફતારમાં બાઈક ચલાવવા લાગ્યા. જો સંતુલન જરા પણ બગડે તો પોતે પણ નીચે પડી જાય અને મૂર્તિ પણ ખંડિત થાય એટલી રફતાર માં તેણે બાઈક દોડાવી-દોડાવીને કરતબ બતાવ્યા હતા. જો સહેજ પણ ચૂક થઇ હોત તો બાપ્પાની મૂર્તિ ખંડિત થાત અને યુવકનો જીવ પણ જોખમમાં મુકાઈ જાત.
સોશ્યલ મીડિયા યુઝર્સે પોલીસતંત્રને ટેગ કરીને આવા જોખમી સ્ટન્ટ કરનારાઓ વિરૂધ્ધ ધાક બેસાડતી કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.




