
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશભરમાં મહિલા સુરક્ષા સામે જ્યારે સવાલો પેદા થઈ રહ્યા છે ત્યારે મહિલા સુરક્ષા અંગે રેલવે પોલીસ કેટલી નિષ્ક્રિય રહી હતી એવો એક બનાવ જેમાં મુંબઈની લોકલ ટ્રેનમાં લેડીઝ કોચમાં શનિવારે એક યુવક ચડીને દાદાગીરી કરતો જોવા મળ્યો હતો. જ્યારે લેડીઝ કોચમાં ચડેલા યુવકનો મહિલાઓએ વિરોધ કરીને તેને કોચમાંથી ઉતરી જવાનું કહેતા માથા ફરેલ યુવકે રીતસર ના પાડી દીધી હતી અને મહિલા પેસેન્જરો સાથે ઉદ્ધતાઈપૂર્વક વાતો કરી હતી.
મહિલાઓ સાથે વાદવિવાદ કરતા યુવકનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં મહિલાઓ તેને કોચમાંથી ઉતરવાનું કહેતી હોવાનું સાંભળી શકાય છે. વીડિયોમાં મહિલાઓ સૌથી પહેલા તો યુવકને તે લેડીઝ કોચમાંથી ચડી ગયો હોવાથી એમાંથી ઉતરી જવાનું કહે છે. જોકે નફ્ફટ યુવક મહિલાઓને જે કરવું હોય એ કરી લો હું નહીં ઉતરૂ અને હું ખાર સ્ટેશન પર જ ઉતરીશ એવું કહે છે.
મહિલાઓ યુવકને ટ્રેન ખાર સ્ટેશન વટાવી ગઈ છે અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જઈ રહી હોવાનું પણ કહે છે છતાં યુવક કોઈની વાત સાંભળવા તૈયાર ન હતો. અંતે બાંદરા સ્ટેશન પર લેડીઝ કોચમાં ચડેલો આ યુવક કોઈની વાત માનવા તૈયાર ન હતો અને અંતે તે કિંગ્સ સર્કલ સ્ટેશને એક મહિલાને ધક્કો મારીને ભાગી ગયો હતો.
1512 હેલ્પલાઇન પર ભરોસો કરશો તો નહીં ચાલે.
લેડીઝ કોચમાં ચડેલા “માથા ફરેલા” યુવકને વારંવાર વિનંતી કરવા છતાં તે ઉતર્યો ન હતો એટલે મહિલાઓએ રેલવે પોલીસ ફોર્સ (RPF) અને ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP) ની હેલ્પલાઇન ૧૫૧૨ પર ફોન કર્યો હતો પરંતુ ત્યાંથી તેમને કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. જો મહિલા કોચમાં ફક્ત બે કે ત્રણ મહિલાઓ પ્રવાસ કરી રહી હોત તો તમે વિચારી શકો કે આ યુવકે શું કર્યું હોત?
આ ઘટના લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી મહિલાઓની સુરક્ષા સામે મોટુ પ્રશ્નાર્થચિન્હ ઊભું કરે છે.



