
પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત.વિમાન સાથે પક્ષીઓ અથડાવવાની ઘટના સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે વિમાન ઓછી ઊંચાઈએ હોય છેઈન્ડિગો એરલાઈન્સના એક વિમાન સાથે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મુંબઈથી ઉડાન ભરેલા ઈન્ડિગોના વિમાન સાથે ઉત્તરાખંડના ઋષિકેશ નજીક પક્ષી અથડાતાં વિમાનને નુકસાન થયું હોવાના અહેવાલ છે. જાેકે, વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાની પુષ્ટિ અધિકારીઓએ કરી છે.અહેવાલો અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સનું વિમાન મુંબઈથી ૧૮૬ મુસાફરોને લઈને આવી રહ્યું હતું. ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત ઋષિકેશ નજીક જાેલી ગ્રાન્ટ એરપોર્ટ પર વિમાન જ્યારે રનવે પર હતું, ત્યારે તે પક્ષી સાથે અથડાયું, જેના કારણે વિમાનના એક ભાગને નુકસાન થયું. અકસ્માત સમયે વિમાનમાં ૧૮૬ મુસાફરો સવાર હતા. તાત્કાલિક કાર્યવાહીને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને બધા મુસાફરો સુરક્ષિત છે.વિમાન સાથે પક્ષીઓ અથડાવવાની ઘટના સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે વિમાન ઓછી ઊંચાઈએ હોય છે, એટલે કે ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન. સામાન્ય રીતે અસરગ્રસ્ત ભાગોમાં વિમાનનું નાક (નોઝ), વિન્ડશિલ્ડ, પાંખો અને લેન્ડિંગ લાઇટનો સમાવેશ થાય છે.સૌથી મોટું જાેખમ વિમાનના એન્જિનને છે. આધુનિક જેટ એન્જિનો નાના પક્ષીઓ સાથેની ટક્કર સહન કરવા માટે રચાયેલા હોય છે, પરંતુ જાે મોટું પક્ષી અથડાય તો એન્જિનમાં કંપન, શક્તિ ગુમાવવી અથવા એન્જિન બંધ થવા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.




