
કોંગ્રેસના લોકસભા સાંસદે કહ્યું, એવું લાગે છે કે સરકાર, ભાજપ અને વડાપ્રધાન ભારતની લોકશાહી અને સંસદીય પરંપરાઓનો નાશ કરવા માંગે છે.સંસદનું શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી ચાલવાનું છે, જેમાં કુલ ૧૫ બેઠકો થશે. સત્ર શરૂ થાય તે પહેલાં આજે રવિવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. સરકારની આ બેઠકનો હેતુ વિપક્ષનો વિશ્વાસ જીતીને સત્રની કામગીરી સુચારુ રાખવાનો હતો, પરંતુ મતદાર યાદીના સઘન સુધારણા કાર્યક્રમ (SIR)નો મુદ્દો બેઠકમાં મોટો રહ્યો હતો. બેઠકમાં સરકાર તરફથી રાજ્યસભાના ગૃહના નેતા જેપી નડ્ડા, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને એલ. મુરુગન હાજર રહ્યા હતા. વિપક્ષ તરફથી કોંગ્રેસના પ્રમોદ તિવારી, જયરામ રમેશ, ડેરેક ઓ’બ્રાયન (TMC), કલ્યાણ બેનર્જી (TMC), મનોજ ઝા (RJD), રામ ગોપાલ યાદવ (SP), સુશીલ ગુપ્તા (AAP), સસ્મિત પાત્રા (BJD), અનુપ્રિયા પટેલ (અપના દળ) અને સંજય ઝા (JDU) જેવા નેતાઓએ હાજરી આપી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષની ચિંતાઓ સાંભળવાની ખાતરી આપી હતી, છતાં SIRનો મુદ્દો સૌથી વધુ ગરમ રહ્યો હતો. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, TMC અને DMKએ આક્રમક રીતે પ્રશ્નો ઉઠાવ્યા કે, શિક્ષકો અને BLO પર કેમ આટલું દબાણ વધારવામાં આવી રહ્યું છે અને અનેક મોત થયા
પછી પણ સરકાર શા માટે ચૂપ છે. કોંગ્રેસના પ્રમોદ તિવારીએ બેઠક પહેલાં જ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, “આ હવે મત ચોરી નથી, સીધી લૂંટ છે.” તેમણે સત્રમાં SIR ઉપરાંત આતંકવાદ (દિલ્હીમાં તાજેતરના વિસ્ફોટોનો ઉલ્લેખ કરીને) અને વિદેશ નીતિના મુદ્દા પણ ઉઠાવવાની જાહેરાત કરી હતી. સર્વપક્ષીય બેઠક બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર લોકશાહીના સિદ્ધાંતોનો નાશ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના લોકસભા સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, ‘એવું લાગે છે કે સરકાર, ભાજપ અને વડાપ્રધાન ભારતના લોકશાહી અને સંસદીય પરંપરાઓનો નાશ કરવા માંગે છે. આ કદાચ સૌથી ટૂંકું શિયાળુ સત્ર છે; એવું લાગે છે કે સરકાર સંસદને પાટા પરથી ઉતારવા માંગે છે. સંસદમાં પાર્ટીની રણનીતિ અંગે તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસે રાષ્ટ્રીય સુરક્ષા, વાયુ પ્રદૂષણ, લોકશાહીનું રક્ષણ અને મતદાર યાદીઓની સુરક્ષા (SIR) પર ચર્ચાની માંગ કરી છે.‘ બીજી તરફ, JDUના સંજય ઝાએ વિપક્ષની ચિંતાઓને ફગાવી દીધી હતી. તેમણે બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “પાછલા સત્રમાં પણ વિપક્ષે SIR પર હંગામો કર્યો હતો, પરંતુ તેમને શું મળ્યું? બિહારના જનાદેશથી તેમની વાતનો જવાબ મળી ગયો છે.” સરકારે સત્રમાં લગભગ ૧૦ નવા બિલ રજૂ કરવાની તૈયારી કરી છે, જેમાં પરમાણુ ઉર્જા સંબંધિત મહત્વનું બિલ પણ સામેલ છે. પરંતુ વિપક્ષે સ્પષ્ટ કરી દીધું છે કે, SIR ના નામે થઈ રહેલા “અત્યાચાર” અને તેના કારણે થયેલા મોત પર ચર્ચા વિના તેઓ કોઈ કામકાજ આગળ વધારવા દેશે નહીં. આથી સંસદનું આ શિયાળુ સત્ર શરૂ થતાંની સાથે જ ગરમાઈ જવાનું નક્કી છે. વિપક્ષનું આક્રમણ અને સરકારનો બચાવ, બંને વચ્ચેની આ ટક્કર દેશના રાજકારણના આગામી દિશાનું પણ સંકેત આપી રહી છે.




