
હવે વિદેશી રોકાણકારોને જલસા ઇન્કમ ટેક્સમાં મોદી કેબિનેટનો મોટો ફેરફાર! આ નવા બદલાવ હેઠળ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને સરકારી બોન્ડ્સમાંથી થનારી કમાણી પર હવે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે ભારતીય બજારને વધુ મજબૂત કરવા અને વિદેશી રોકાણને આકર્ષિત કરવા માટે કેન્દ્રીય કેબિનેટે એક બહુ મોટો ર્નિણય લીધો છે. સરકાર ઇન્કમ ટેક્સ એક્ટમાં મોટો સુધારો કરવા જઈ રહી છે. આ નવા બદલાવ હેઠળ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ને સરકારી બોન્ડ્સમાંથી થનારી કમાણી પર હવે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે, એટલે કે ટેક્સ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં વિદેશી મૂડીના પ્રવાહને ઝડપી બનાવવા અને ઈરાન યુદ્ધના કારણે અર્થતંત્ર પર પડી રહેલી નકારાત્મક અસરોને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે આ મોટું પગલું ભર્યું છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં ઇન્કમ ટેક્સ એક્ટમાં સુધારા માટેના એક મોટા વટહુકમને મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાની સાથે જ આ વટહુકમ દેશભરમાં લાગુ થઈ જશે. આ નવા ર્નિણય હેઠળ, સરકાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા ભારતીય સરકારી જામીનગીરીઓમાં કરવામાં આવેલા રોકાણ પર લાગતા કેપિટલ ગેન્સ ટેક્સને સંપૂર્ણપણે નાબૂદ કરવા જઈ રહી છે.
હાલના નિયમો પ્રમાણે, જાે કોઈ વિદેશી રોકાણકાર ૧૨ મહિનાથી વધુ સમય માટે બોન્ડ કે લિસ્ટેડ શેર્સ રાખે, તો તેમણે ૧૨.૫% લોન્ગ-ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) ટેક્સ ભરવો પડતો હતો. આ સિવાય, સરકારી બોન્ડ્સમાંથી મળતા વ્યાજ પર પણ ૨૦% વિથહોલ્ડિંગ ટેક્સ ચૂકવવો પડતો હતો, જેમાં મળતી ૫%ની ખાસ રાહત સરકારે વર્ષ ૨૦૨૩માં બંધ કરી દીધી હતી. આ કડક નિયમોને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારથી થોડા નારાજ હતા. જાેકે, હવે સરકાર નવો નિયમ લાવી રહી છે, જેમાં વિદેશી રોકાણકારોને આ કેપિટલ ગેન્સ ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. સરકારની આ મોટી ટેક્સ છૂટ વિદેશી રોકાણકારોને ભારત તરફ વધુ આકર્ષિત કરશે.
મિડલ ઈસ્ટના તણાવ અને ભારતના કડક ટેક્સ નિયમોને લીધે ચાલુ વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી આશરે રૂ.૨.૫ લાખ કરોડ જેવી મોટી રકમ પાછી ખેંચી લીધી હતી. વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી આ ભારે વેચવાલીને કારણે સ્થાનિક બજાર અને ભારતીય રોકાણકારો સતત ટેક્સ રેટ ઘટાડવાની માંગ કરી રહ્યા હતા. હવે સરકારના આ મોટા નીતિગત ફેરફારને કારણે ભારતીય બોન્ડ માર્કેટમાં ફરીથી વિદેશી નાણાંનો પ્રવાહ વધવાની પૂરી આશા છે, જેનાથી ભારતીય રૂપિયાને પણ મજબૂતી મળશે. આ સિવાય, સૂત્રોનું માનીએ તો દેશના અર્થતંત્રને વધુ ગતિ આપવા માટે આગામી સમયમાં સરકાર આવા કેટલાક અન્ય મોટા ર્નિણયો પણ લઈ શકે છે.



