
(નીડર,નિષ્પક્ષ,અને છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિપક્ષી દળો અને વિવિધ નાગરિક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાઇ રહ્યાં છે અને ચૂંટણી પંચના જ્ઞાનેશકુમારના રાજીનામા ની માંગણી સાથે મોરચો મંડાયો છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR નો વિષય મુખ્ય રહ્યો છે. આમ આ ભારે ઘમાસાણ અને હોબાળાની વચ્ચે ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશના ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) હાથ ધરવાનો આદેશ જારી કરવામાં આવતાં એક નવો વળાંક આવ્યો છે. રાજકીય વર્તુળો અને સામાન્ય નાગરિકોમાં હવે એ ચર્ચાએ જોર પકડયુ છે કે જ્યારે એક તરફ SIR ના મામલે મોટો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચે અચાનક SSR ની જાહેરાત કેમ કરી અને આ સમગ્ર પ્રક્રિયા પાછળનું કાનૂની તથા પ્રશાસનિક માળખું શું છે? તેના અંગે અનેક તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. આ પ્રક્રિયાને કારણે સામાન્ય માણસ ઉપર સૌથી મોટો કુઠારાઘાત એ વાતનો છે કે એક સામાન્ય માણસ જે દિવસ-રાત પોતાની રોજીરોટી માટે સંઘર્ષ કરે છે, તેને અચાનક એક દિવસ ખબર પડે છે કે ચૂંટણી પંચના એક કલમના ઝાટકે તેનું નામ મતદાર યાદી માંથી ગાયબ કરી દેવાયું છે.
સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) ભલે કાગળ પર સુવિધાજનક દેખાતું હોય, પણ હકીકતે ઘણા કિસ્સામાં (BLO) બૂથ લેવલ ઓફિસર્સ ઘરે પહોંચતા જ નથી. ઘણા કિસ્સાઓમાં BLO પોતાના અંગત કામો કે શિક્ષક તરીકેની નોકરીના ભારણ વચ્ચે ઘેર બેઠા મનસ્વી રીતે યાદીઓ બનાવી નાંખે છે. અને પરિણામે વર્ષોથી એક જ સરનામે રહેતા અસંખ્ય નાગરિકોને રાતોરાત ગેરહાજર કે સ્થળાંતરિત બતાવીને તેમના નામો રદબાતલ કરી દેવામાં આવે છે.
પોતાના જ દેશમાં મત આપવાનો મૂળભૂત અધિકાર બચાવવા માટે નાગરિકે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને સરકારી બાબુઓની દાદાગીરી સહન કરવી પડે છે. બીજી તરફ, જો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની તલવાર લટકાવવામાં આવે, તો તે સામાન્ય પ્રજા માટે સાક્ષાત નરક સમાન છે. આ પ્રક્રિયામાં સમગ્ર સિસ્ટમ નાગરિકને પહેલેથી જ શંકાસ્પદ માની લે છે.
આ બધું જોતા મતદાર ને માટે અસ્તિત્વનો ખતરો બની જાય છે. તંત્ર દ્વારા મોટા ઉપાડે ડિજિટલ ઇન્ડિયા અને ઓનલાઇન પોર્ટલ ની ગુલબાંગો પોકારવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સરકારની અણઆવડત અને ખામીયુક્ત સિસ્ટમનો દંડ દેશની જનતા પોતાના ખિસ્સામાંથી ભોગવે છે.




