વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કરી અને પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત ધાર્મિક લઘુમતીઓ પરના હુમલાના મુદ્દા પર ચર્ચા કરી. આ દરમિયાન તેમણે ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ અને ચટગાંવ જિલ્લામાં મંદિરને થયેલા નુકસાન અંગે પણ વાત કરી હતી. બેઠક બાદ, જયશંકર આવતીકાલે સંસદના બંને ગૃહોને આ મુદ્દે માહિતી આપી શકે છે, જો વિરોધ પક્ષોના સભ્યો કાર્યવાહીમાં કોઈ વિક્ષેપ ન સર્જે.
યુનુસ સરકાર લઘુમતીઓ પર હુમલા રોકવામાં નિષ્ફળ રહી
આ કિસ્સાઓ ત્યારે પ્રકાશમાં આવ્યા છે જ્યારે ઓગસ્ટમાં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં હિંસક આંદોલનને કારણે તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારત ભાગી જવું પડ્યું હતું. આ પછી, બાંગ્લાદેશની સેનાએ થોડા સમય માટે સરકારની કમાન સંભાળી અને પછી નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી. જો કે, યુનુસ સરકાર પર હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયો પર હુમલા રોકવામાં નિષ્ફળ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
વિદેશ મંત્રાલયે નિવેદનમાં શું કહ્યું
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ઓગસ્ટથી અત્યાર સુધી હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર કટ્ટરવાદી તત્વો દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે આ હુમલાઓમાં લઘુમતીઓના ઘરો અને વ્યવસાયોને સળગાવવા, લૂંટફાટ, દેવી-દેવતાઓ અને મંદિરોનું અપમાન સામેલ છે. બીજી બાજુ, યુનુસ સરકારનું કહેવું છે કે બાંગ્લાદેશમાં દરેક નાગરિકને તેની ધાર્મિક માન્યતાઓનું પાલન કરવાનો અને કોઈપણ અવરોધ વિના પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય.
બાંગ્લાદેશમાં લગભગ આઠ ટકા હિંદુઓ છે
ઢાકાથી લગભગ 300 કિલોમીટર ઉત્તરમાં આવેલા રંગપુરમાં તાજેતરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. વિરોધીઓ મજબૂત કાયદાકીય રક્ષણ અને ધાર્મિક લઘુમતીઓ માટે મંત્રાલયની રચનાની માંગ કરી રહ્યા હતા. આ સાથે બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયના અગ્રણી ચહેરા ચિન્મય કૃષ્ણ દાસની પણ આ મહિને રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં લગભગ આઠ ટકા હિંદુઓ છે અને દેશમાં હિંદુઓની કુલ વસ્તી 1 કરોડ 70 લાખ છે.