
આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા જંતર મંતરથી શરૂ થયેલ સંસદ કુચમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતા. ત્યાંથી આમ આદમી પાર્ટીના યુવા નેતા ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે નીટનું જે પેપર લીક થયું હતું ત્યારબાદ GenZનું આંદોલન શરૂ થયું હતું, તે સ્થળ પર જંતર મંતર પર આજે અમે પહોંચ્યા છીએ. અમે દેશની આઝાદી માટેની લડાઈમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા પરંતુ આજે અમને ગર્વ છે કે આજે અમે આ GenZની લડાઈમાં ઉપસ્થિત છીએ. મને ગર્વ છે કે આજે દેશભરના GenZ યુવાનો દિલ્હીમાં એકત્રિત થયા છે. આજે જંતર મંતરની અંદર અને જંતર મંતરની બહાર પણ હજારોની સંખ્યામાં GenZ ઉમટી પડ્યા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, દેશના તમામ યુવાનોની માંગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નીટ પેપર લીકની જવાબદારી લે અને પોતાના પદ પરથી રાજીનામું આપે. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે દેશના મોટા વૈજ્ઞાનિકોમાં એક સોનમ વાંગચૂકજી જ્યારે અનશન પર બેઠા હતા ત્યારે તેમની સાથે વાતચીત કરવાની જગ્યાએ તેમને ઉપાડીને લઈ જવામાં આવ્યા. જેનાથી યુવાનો ખૂબ જ દુઃખી છે અને તેમની અંદર ખૂબ જ ગુસ્સો છે પરંતુ તેમ છતાં પણ તેઓ શાંતિપૂર્ણ રીતે જંતર મંતર પર આંદોલન કરી રહ્યા છે. પોલીસ મિત્રોને પણ હું વિનંતી કરું છું કે આ યુવાનો સાથે સારી રીતે વર્તન કરજો કારણ કે કદાચ આવનારા સમયમાં તમારા દીકરા પણ આ સિસ્ટમનો શિકાર ન બને એટલા માટે એટલા માટે આ GenZ યુવાનો એકઠા થયા છે. સમગ્ર દેશના યુવાનો અને ખાસ કરીને GenZ ને અપીલ છે કે તમે ભલે દિલ્હી ન આવી શકો પરંતુ શાંતિપ્રિય રીતે સોશિયલ મીડિયા પર આંદોલનને સપોર્ટ આપતા રહેજો.




