
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ લાઈવ માધ્યમથી જણાવ્યું હતું કે, શિક્ષણ વ્યવસ્થા બચાવવા માટે આંદોલન કરી રહેલા સોનમ વાંગચુકના સમર્થનમાં અમે ૩ કલાકના મૌન ધરણાંનું આયોજન કર્યું છે. સોનમ વાંગચુકના પોતાના સંતાનો નીટ (NEET) ની પરીક્ષા નથી આપી રહ્યા, છતાં તે આપણા બાળકોના ભવિષ્ય અને દેશની શિક્ષણ પ્રણાલી માટે ૧૫ દિવસથી ભૂખ્યા રહીને સંઘર્ષ કરી રહ્યા છે, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય પણ બગડ્યું છે. જે માણસે શિક્ષણ પદ્ધતિ બદલીને વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધાર્યું, તેની વાત સાંભળવાને બદલે સરકાર અહંકારમાં આવીને આ અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. વારંવાર થતા પેપર લીકથી કંટાળીને ૩૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે, તે માતા-પિતાની પીડાની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ કોઈ બીજાના બાળકો નથી પરંતુ આપણા પોતાના છે તેમ સમજીને આપણે જાગૃત થવું પડશે. જો શિક્ષણ મંત્રીના કાર્યકાળમાં પેપર લીક થતા હોય, તો તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે કોઈનું પદ બાળકના જીવથી મોટું નથી.
’આપ’ નેતા ડો. કાયનાત અન્સારી આથાએ વધુમાં જણાવ્યુ હતુ કે અગાઉ જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને અન્ના હજારે આંદોલન પર બેઠા હતા, ત્યારે આજ ભાજપના નેતાઓ કહેતા હતા કે સરકારે જનતાનો અવાજ સાંભળવો જોઈએ. પરંતુ આજે સત્તામાં આવ્યા પછી ભાજપ સરકારની આંદોલનો પ્રત્યેની સંવેદનશીલતા સાવ ખતમ થઈ ગઈ છે અને તેઓ લોકશાહીને બદલે તાનાશાહી ચલાવી રહ્યા છે. આપણને ધર્મ અને જ્ઞાતિની રાજનીતિમાં વ્યસ્ત રાખીને શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે, પરંતુ આપણા માટે દેશ કોઈપણ નેતા કે વ્યક્તિથી ઘણો મોટો છે. વર્ષો પછી દેશમાં એક એવી ક્રાંતિ આવી છે જે બધું બદલી નાખશે અને આપણી આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરશે. હું દેશના તમામ નાગરિકોને અપીલ કરું છું કે તમે જ્યાં પણ હોવ ત્યાંથી આ શિક્ષણ બચાવો આંદોલનને પૂરેપૂરું સમર્થન આપો અને આ દેશની વ્યવસ્થા સુધારવાની જવાબદારી પોતાની સમજીને આગળ આવો




