
(નીડર,નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
ભારત યુવાનોનો દેશ છે જો આ યુવાનોને સતત એવો અનુભવ થશે કે સરકાર તેમની (વિદ્યાર્થીઓની) વાત સાંભળતી નથી. તો લોકશાહી પ્રત્યેનો તેમનો વિશ્વાસ નબળો પડશે. અને એ કોઈ પણ રાષ્ટ્ર માટે સારા સંકેત નથી. આ બાબતે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લોકશાહીમાં વિરોધ કરનાર લોકો સાથે સંવાદ કરવો સરકારની ફરજ છે. અને આ એક બંધારણીય મૂલ્ય છે ઉપકાર નહીં. પ્રશ્ન એ છે કે શું સરકારો આ સંદેશ સમજવા તૈયાર છે? આજની સૌથી મોટી સમસ્યા વિરોધ નથી સૌથી મોટી સમસ્યા છે સંવાદનો અભાવ.
આજે સરકારો જાણે એવી માનસિકતા તરફ આગળ વધી રહી છે કે બહુમતી મળી ગઈ એટલે હવે લોકોને સમજવાની કે તેમની વાત સાંભળવાની જરૂર નથી. પરંતુ ચૂંટણી જીતવી અને લોકોનો વિશ્વાસ જીતવો એ બંને બાબતો અલગ છે. સત્તા જ્યારે પ્રજાની વાત સાંભળવાનો બંધ કરે છે ત્યારે રસ્તાઓ બોલવા લાગે છે. લોકશાહીનું આ સૌથી મોટું અને સૌથી કડવું સત્ય છે. દુર્ભાગ્ય એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં આ દ્રશ્ય વારંવાર જોવા મળી રહ્યું છે. ખેડૂતોનું આંદોલન હોય મણીપુરમાં મહિનાઓ સુધી સળગતી હિંસા હોય,અગ્નિવીર યોજના સામે યુવાનોનો રોષ હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિના આરોપ હોય, ભાષા વિવાદ હોય કે હવે નીટ 2026 નો મુદ્દો દરેક વખતે સરકારનો પ્રથમ પ્રતિભાવ સંવાદ નહીં પરંતુ મૌન અસ્વીકાર અથવા વિરોધને કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન બનાવી દેવાનો જ રહ્યો છે. પરિણામે દેશમા અસંતોષ વધુ ઉગ્ર બન્યો છે.
આમ જે સરકાર પ્રજાની વાત સાંભળે છે તે વધુ મજબૂત બને છે. અને બીજું કે જ્યારે જે સરકાર માત્ર પોતાની વાત સાંભળવા માંગે છે તે ધીમે ધીમે લોકોનો વિશ્વાસ ગુમાવે છે. કારણ કે જ્યાં સંવાદ બંધ થાય છે ત્યાંથી જ વિરોધનો વિસ્ફોટ શરૂ થાય છે એટલે ભારત જેવા લોકશાહી દેશમાં સવાલોથી દૂર ભાગતી સરકારને પ્રજા ગમે ત્યારે ભગાડી પણ શકે છે એ ન ભૂલવું જોઈએ.




