International News : પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતના બંદર શહેર ગ્વાદર પાસે અજાણ્યા બંદૂકધારીઓએ પાકિસ્તાની સેનાની બોમ્બ નિકાલ ટુકડી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ચાર અન્ય ઘાયલ થયા. ડૉન અખબારે સોમવારે અહેવાલ આપ્યો હતો કે પાકિસ્તાની સેનાની બોમ્બ ડિસ્પોઝલ ટીમ ગ્વાદર જિલ્લાના અંકારા ડેમ વિસ્તારમાં લેન્ડમાઈનને નિષ્ક્રિય કરવામાં વ્યસ્ત હતી ત્યારે રવિવારે બંદૂકધારીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલામાં બે સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને ચાર અન્ય ઘાયલ થયા.
કોઈએ જવાબદારી લીધી નથી
ગ્વાદરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) મોહસિન ઝોહેબે જણાવ્યું હતું કે, ગોળીબારની ઘટના બંદર શહેર (ગ્વાદર) થી લગભગ 25 કિમી દૂર બની હતી, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા.
તેમણે કહ્યું કે ઘટના બાદ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ હુમલાખોરોને શોધવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી.
બલૂચિસ્તાન લિબરેશન આર્મીનો વિરોધ
ઉલ્લેખનીય છે કે અલગતાવાદી બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ ભૂતકાળમાં ગ્વાદરમાં થયેલા મોટા ભાગના હુમલાઓની જવાબદારી લીધી છે. BLA બલૂચિસ્તાનમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે. તેમણે ચીન અને પાકિસ્તાન પર સંસાધનથી સમૃદ્ધ પ્રાંતનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો. સત્તાવાળાઓએ આ આરોપને ફગાવી દીધો છે. BLA એ 24 માર્ચે પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સ પર થયેલા હુમલાની જવાબદારી પણ લીધી હતી. આ દરમિયાન પાકિસ્તાની સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત અલગતાવાદી જૂથના આઠ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.