
ઈરાનનું ભારત અંગે મોટું નિવેદન અમારા ભારતીય મિત્રો સુરક્ષિત હાથોમાં છે, તમામ ભારતીયો સુરક્ષિત છે આ મેસેજ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મિડલ ઈસ્ટમાં છેલ્લા એક મહિનાથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે અમેરિકા-ઈઝરાયલ સાથે યુદ્ધ લડી રહેલા ઈરાને ભારતીયોની સુરક્ષાને લઈને એક મોટો મેસેજ આપ્યો છે. ભારતમાં ઈરાની પ્રતિનિધિએ કહ્યું કે, અમારા ભારતીય મિત્રો સુરક્ષિત હાથોમાં છે, તમામ ભારતીયો સુરક્ષિત છે. ભારત સરકારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ મેસેજ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મિડલ ઈસ્ટમાં છેલ્લા એક મહિનાથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતાં ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઈરાની સુપ્રીમ લીડર અલી ખામેનેઈ અને અન્ય નેતાઓના મોત થઈ ગયા હતા. યુદ્ધની શરૂઆત બાદ ઈરાને પણ જવાબી હુમલો કરતાં મિડલ ઈસ્ટમાં સ્થિત ઘણા અન્ય દેશો પર હુમલો કર્યો છે. ઈરાને સાઉદી અરેબિયા, કતાર, બહેરીન અને અન્ય દેશોમાં સ્થિત અમેરિકન લશ્કરી ઠેકાણાને નિશાન બનાવ્યા છે.
ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ આજે દુનિયાના સૌથી મોટા અને ખતરનાક મુદ્દાઓમાંથી એક બની ગયું છે. અમેરિકા અને ઈઝરાયલનું કહેવું છે કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેથી અમે ઈરાન પર હુમલો કર્યો છે, જ્યારે ઈરાન વારંવાર કહેતું રહ્યું છે કે, અમારો કાર્યક્રમ માત્ર વીજળી અને બીજા શાંતિપૂર્ણ કામો માટે છે. આ મુદ્દે વર્ષોથી તણાવ ચાલી રહ્યો હતો, જે હવે સીધો યુદ્ધમાં પરિવર્તિત થઈ ગયો છે.
અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન પોતાના સહયોગી જૂથોનો પણ ઉપયોગ કરી રહ્યું છે, જેમ કે લેબેનૉનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુથીઓ ઈરાનને મદદ કરી રહ્યા છે. યુદ્ધની રીત પણ બદલાઈ ગઈ છે. આમાં હવાઈ હુમલા, મિસાઇલ અને ડ્રોન હુમલા, સાયબર હુમલા થઈ રહ્યા છે અને દરિયાઈ માર્ગો પર પણ જાેખમ વધી ગયું છે. આમાં હોર્મુઝ સ્ટ્રેટ સૌથી ગંભીર મુદ્દો છે, જે ક્રૂડ ઓઇલ માટેનો સૌથી મહત્ત્વપૂર્ણ માર્ગ છે. જાેકે હજુ સુધી જમીની સ્તર પર યુદ્ધ નથી શરૂ થયું, પરંતુ તેનો ખતરો યથાવત્ છે. અમેરિકા સતત સૈનિકોને મિડલ ઈસ્ટમાં મોકલી રહ્યું છે, જેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ઓઇલ અને ગેસ મિડલ ઈસ્ટમાંથી આવે છે, તેથી જેમ જેમ યુદ્ધ વધે છે, તેમ-તેમ ક્રૂડ ઓઇલના ભાવ વધે છે, જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડે છે.
ભારત પર પણ આ યુદ્ધની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. ભારત પોતાની ઓઇલની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશોમાંથી ખરીદે છે, તેથી ઓઇલના ભાવ વધવાની સાથે અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી ગયા છે. આ ઉપરાંત ખાડી દેશોમાં કામ કરતાં લાખો ભારતીયોની સુરક્ષા પણ ચિંતાનો વિષય બની ગયો છે.
વિદેશ મંત્રાલયે(MEA) સોમવારે (૩૦ માર્ચ, ૨૦૨૬) અહેવાલ આપ્યો હતો કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અત્યાર સુધીમાં ૮ ભારતીયોના મોત થયા છે અને એક ગુમ છે. યુએસ સ્થિત માનવાધિકાર સંગઠન ૐઇછદ્ગછના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ૩,૪૬૧ લોકોનો મોત થઈ ચૂક્યા છે, જેમાં ૧,૫૫૧ નાગરિકો અને ઓછામાં ઓછા ૨૩૬ બાળકો સામેલ છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ રેડ ક્રોસ અને રેડ ક્રેસેન્ટ સોસાયટીઝનું કહેવું છે કે ઓછામાં ઓછા ૧,૯૦૦ લોકો માર્યા ગયા છે અને લગભગ ૨૦,૦૦૦ લોકો ઘાયલ થયા છે. લેબેનૉનમાં ૨ માર્ચથી શરૂ થયેલા આ હુમલાઓમાં ઓછામાં ઓછા ૧૨૪ બાળકો સહિત ૧,૨૩૮ લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત ૪૦૦થી વધુ હિઝબુલ્લાહ લડવૈયાઓ અને ૮ લેબેનૉનની સેનાના સૈનિકો માર્યા ગયા છે. ઈરાનમાં પણ પરિસ્થિતિ ભયાનક છે, ત્યાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. ઈરાન અને લેબેનૉનથી છોડવામાં આવેલી મિસાઇલોને કારણે ઈઝરાયલમાં ૧૯ લોકો માર્યા ગયા છે, જ્યારે ૫ સૈનિકો પણ માર્યા ગયા છે.




