
નિવૃત્તિ પર કોહલીનું ભાવુક નિવેદન ૧૫-૨૦ વર્ષથી બ્રેક નહોતો મળ્યો, હવે પરિવાર સાથે સમય વિતાવું છું મારા બાળકો અને પરિવાર સાથે ઘરે સમય વિતાવવો ખૂબ જ સરસ છે, અને હું ખરેખર તેનો આનંદ માણી રહ્યો છું ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સાત મહિનાના લાંબા સમયગાળા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં તે શૂન્ય રન પર આઉટ થતાં ચાહકો નિરાશ થયા હતા. કોહલી લાંબા સમયથી પત્ની અનુષ્કા શર્મા અને બાળકો વામિકા તથા અકાય સાથે લંડનમાં રહેતા હતા, અને હવે તેણે પોતાના આ વિરામ પાછળનું કારણ જાહેર કર્યું છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કોમેન્ટેટર્સ એડમ ગિલક્રિસ્ટ અને રવિ શાસ્ત્રી સાથેની મુલાકાતમાં વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના ર્નિણયથી તેમને ઘણો ફાયદો થયો છે. ફોક્સ ક્રિકેટ પર વાતચીત દરમિયાન કોહલીએ કહ્યું, હા, મને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને ઘણો સમય થઈ ગયો છે. હું મારા જીવનમાં પાછો ફરી શક્યો છું, જે હું લાંબા સમયથી કરી શક્યો નથી. મારા બાળકો અને પરિવાર સાથે ઘરે સમય વિતાવવો ખૂબ જ સરસ છે, અને હું ખરેખર તેનો આનંદ માણી રહ્યો છું. પોતાના લાંબા વિરામ અંગે વધુ સ્પષ્ટતા કરતા વિરાટે જણાવ્યું હતું કે, ક્રિકેટના સતત શેડ્યૂલને કારણે તે ભાગ્યે જ પોતાના માટે સમય ફાળવી શક્યા હતા. સાચું કહું તો, છેલ્લા ૧૫થી ૨૦ વર્ષમાં મેં જેટલી પણ ક્રિકેટ રમી છે, તેમાં મેં ભાગ્યે જ એક પણ બ્રેક લીધો છે. જાે તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPL ને જાેડો છો, તો મેં છેલ્લા ૧૫ વર્ષમાં અન્ય કોઈપણ ખેલાડી કરતાં વધુ મેચ રમી છે.
આ વિરામને કારણે તે હવે ખૂબ જ તાજગી અનુભવી રહ્યા છે. વિરાટ કોહલી ભલે હવે ભાગ્યે જ આંતરરાષ્ટ્રીય મેચ રમતા જાેવા મળે, પરંતુ પરિવાર સાથે વિતાવેલો આ સમય તેમને ફરીથી સક્રિય થવામાં મદદ કરી રહ્યો છે.
