
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારત માટે એમ કહેવાય છે કે ભારત મદારીઓનો દેશ છે. જ્યાં મંત્ર, તંત્ર અને ભૂત ભુવાઓની સાથે બની બેઠેલા તાંત્રિકોની માયાજાળમાં સામાન્ય પ્રજા તો ફસાય એ સમજી શકાય છે પરંતુ ભણેલા-ગણેલા લોકોની સાથે રાજનેતાઓ જ્યારે આવા લેભાગુ જ્યોતિષીઓ અને તાંત્રિકોની મોહજાળમાં ફસાય છે. ત્યારે અન્યની તો વાત જ ક્યાં રહી? આખરે જ્યારે તાંત્રિકની પોલ ખૂલે છે ત્યારે ખુલાસા આપવા પડે છે અને એમના જાહેર જીવનને પણ કલંક લાગે છે. જે ભવિષ્યમાં એવા રાજનેતાઓ માટે જાહેર જીવન માટે આડખીલી રૂપ પણ બને છે.
આવા લેભાગુ તાંત્રિક, જ્યોતિષીનો તાજો જ દાખલો મુંબઈ ના કહેવાતા લંપટ જયોતિષી અશોક ખેરાતનો જગ જાહેર છે. જેમાં એણે ૫૮ ઉપરાંત મહિલાઓ સાથે દુષ્કૃત્ય કર્યું હતું. જેને રાક્ષસી કૃત્ય કહી શકાય અને આવા રાક્ષસી કૃત્ય કરનારાઓનો જ્યારે પડદા ફાસ કરવામાં આવે છે ત્યારે કોઈ પણ બહેન દીકરીના બનાવોને મીડિયામાં મારી મચેડી બતાવવા યોગ્ય નથી. જેમાં મહારાષ્ટ્રની મહિલા આયોગની અધ્યક્ષાને અશોક ખેરાત ના માથે છત્રી ધરી ચાલવા ના વિવાદાસ્પદ ફોટાને કારણે જે બદનામી મળી એણે કારણે એને મહારાષ્ટ્રના મહિલા આયોગના ચેરમેન પદ ઉપરથી રાજીનામું આપવાની ફરજ પડી એટલું જ નહીં મહારાષ્ટ્રના તત્કાલિન ડે.સી.એમ એકનાથ શિંદે ને પણ અશોક ખેરાત ના આશ્રમની મુલાકાત લેવાના કારણે ખુલાસાઓ કરતાં નાકે દમ આવી ગયો હતો.
ત્યારે અહીં જે મુખ્ય વાત એ છે કે જે આવા લેભાગુ તાંત્રિકો, જ્યોતિષીઓ કે બની બેઠેલા બાપુઓની કોઈ વ્યક્તિ ધ્વારા પછીએ પીડિત મહિલા હોય કે અન્ય કોઈ કે જેણે આવા આશ્રમોમાં ચાલતી પ્રવૃતિઓ ને નજીકથી નિહાળીને એવા લેભાગુ બાબાઓ,તાંત્રિકોની સમાજના હિતમાં સત્યને ઉજાગર કરવા જનતા સમક્ષ મીડિયાના માધ્યમથી પોલખોલી જાહેર જનતાને જાગૃત કરી હોય એ સારી વાત છે.
પરંતુ સિક્કાની બીજી બાજુએ પણ છે કે જે રીતે મીડિયા મરચું, મીઠુ ઉમેરીને ટીવી ઉપર કે અખબારોમાં ફોટા સહિતના જે અહેવાલો પ્રસિધ્ધ કરે છે એ સમાજના હિતમાં આમ જોવા જઈએ તો જાગૃતતા ને બદલે કુમળા જનમાનસ માં વિકૃતિને જન્મ આપે છે. જે સમાજ માટે તો શરમજનક છે જ પરંતુ પોલીસતંત્રની તપાસમાં પણ આવા અહેવાલો અડચણરૂપ બને છે. જે લાંબે ગાળે ગુન્હેગારો માટે ઘણીવાર આશીર્વાદરૂપ બનતા હોવાથી પોલીસની મહેનત પર પાણી ફરી વળે છે. અને તેનો તાજો દાખલો છે બાબા રામ રહીમનો જે કેટલીય વાર પેરોલ પર છૂટી લહેર કરી કાયદાના ધજીયા ઉડાડી રહ્યો છે.
અને હવે વાત કરીએ સનાતની હિંદુ ધર્મની. સનાતની હિંદુ ધર્મ કયારેય કોઈ મહિલા સાથે વિશ્વાસઘાત કરીને એને અંધશ્રદ્ધાનો શિકાર બનાવવાનું શીખવતો નથી કે જ્યાં મહિલાઓને તાંત્રિક વિધિના નામે નિર્વસ્ત્ર કરી એની સાથે ઐયાશી કરી એનું જીવન બરબાદ કરી સામાજીક પ્રતિષ્ઠા ખરડાય અને એ મહિલા પરિવાર સાથે સમાજમાં બદનામ થાય એવું કોઈ ધર્મ ક્યારેય શિખવતો નથી. ત્યારે અશોક ખેરાત હોય કે બાગેશ્વર ધામનો ધિરેન્દ્ર શાસ્ત્રી હોય કે આશારામ સહિત રામરહિમ કેમ ના હોય? આવા લંપેટોની જાળમાં ફસાતા ભોળા લોકો, રાજનેતાઓ કે ફિલ્મી અભિનેતાઓ સાથે અન્ય કોઈ પણ કેમ ના હોય? એમણે હવે જાગૃત થઈ સમાજના હિતમાં અંધશ્રધ્ધાને તિલાંજલિ આપવા મેદાનમાં ઊતરવું જોઈએ એ જ સમયની માંગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવા તાંત્રિકો ઉપર રાજકારણીઓની છત્ર છાયા હોવાથી બેફામ વાણી-વિલાસ કરતાં અન્ય સમાજમાં છુપો રોષ ફેલાય છે. જેને આધાર બનાવીને આવા લંપટ બાવાઓ, બાપુઓ, જ્યોતિષીઓ, બાબાઓ પોતાની ઉપર જાનનું જોખમ છે અને ધમકી મળી છે એવા બહાના કાઢી સરકારી ખર્ચે સિક્યોરિટી મેળવે છે. જે આખરે તો પ્રજાના ટેક્ષના પૈસાથી જ અપાતી હોય છે.
એ સાથે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ ઉપર રજૂ થતાં બીભત્સ્ય વિડીયો બંધ થવા જોઈએ જેના કારણે માં-બેન દીકરીઓના માનસમાં પડતી ખોટી અસરો પર કાબુ આવે અને વિકૃતિથી મહિલાઓ દૂર રહે એ જ ઇચ્છનિય છે. મોટા-મોટા રાજકારણીઓ અંધશ્રધ્ધામાં વિશ્વાસ મૂકી આવા લંપટ સાધુ બાવાઓના શરણે જાય છે. ટિકિટ મેળવે છે. વિજયી થવાના આશીર્વાદ મેળવે છે અને આવા મોટા માથાઓને જોઈને સામાન્ય માણસ એનું અનુકરણ કરી આખરે સમાજમાં બદનામ થઈ પસ્તાય છે.
આ લખનાર પ્રતિનિધિ પણ સનાતની છે અને સનાતન ધર્મના નામે કોઈ વ્યક્તિ અંધશ્રધ્ધા ફેલાવે તેનો પણ આ લખનાર સખ્ત વિરોધ કરે છે અને કરતાં રહેશે.




