રેલવે અકસ્માત : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે તમિલનાડુમાં ટ્રેન દુર્ઘટનાને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જવાબદારી ટોચથી શરૂ થાય છે અને અનેક અકસ્માતો છતાં કોઈ પાઠ શીખ્યો નથી. તેમણે એવો સવાલ પણ કર્યો કે કેટલા પરિવારો બરબાદ થયા પછી આ સરકાર જાગશે? ટ્રેન નંબર 12578 મૈસુર-દરભંગા એક્સપ્રેસ તમિલનાડુના પોનેરી-કાવરાપેટ્ટાઈ રેલવે સ્ટેશનો વચ્ચે ચેન્નાઈ-ગુદુર રેલવે સેક્શન પર પાછળથી આવતી માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા છે.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, ‘મૈસુર-દરભંગા ટ્રેન દુર્ઘટના એ ભયાનક બાલાસોર અકસ્માતને પ્રતિબિંબિત કરે છે. એક પેસેન્જર ટ્રેન ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ. અનેક અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં કોઈ પાઠ ભણવામાં આવતો નથી. જવાબદારી ઉપરથી શરૂ થાય છે. આપને જણાવી દઈએ કે દુર્ઘટનાગ્રસ્ત દરભંગા બાગમતી એક્સપ્રેસના મુસાફરો શનિવારે સ્પેશિયલ ટ્રેન દ્વારા દરભંગા માટે રવાના થયા હતા. દક્ષિણ રેલવેએ આ જાણકારી આપી.
ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલ અકસ્માત સ્થળે ટ્રેક રીપેરીંગનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. રેલવેએ જણાવ્યું કે ટ્રેન નંબર 12578 મૈસૂરુ-દરભંગા બાગમતી એક્સપ્રેસ 11 ઓક્ટોબરે રાત્રે લગભગ 8.30 વાગ્યે એક માલગાડી સાથે અથડાઈ હતી. મુસાફરોને બસો દ્વારા પોનેરી અને પછી 2 EMU સ્પેશિયલ ટ્રેન દ્વારા ચેન્નાઈ સેન્ટ્રલ લઈ જવામાં આવ્યા હતા. બધા મુસાફરોના આગમન પછી, તેઓને એક વિશેષ ટ્રેનમાં દરભંગા મોકલવામાં આવ્યા હતા, જે અરક્કોનમ, રેનિગુંટા અને ગુદુરથી પસાર થશે. મુસાફરોને ફૂડ પેકેટ અને પાણી આપવામાં આવ્યું અને વિશેષ ટ્રેન સવારે 4.45 વાગ્યે રવાના થઈ.
ટ્રેનોના સમય અને રૂટમાં ફેરફાર
દરમિયાન, દક્ષિણ રેલવેએ આ રૂટ પરથી પસાર થતી તમામ ટ્રેનોને ડાયવર્ટ કરી દીધી છે. વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ 12 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે ડૉ. MGR ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ઉપડવાની હતી, પરંતુ તેનો સમય બદલીને હવે 12:30 વાગ્યે કરવામાં આવ્યો છે. તેનો રૂટ અરક્કોનમ, રેનિગુંટા અને ગુદુર તરફ વાળવામાં આવ્યો છે. સ્થળ પર ટ્રેકના સમારકામની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. જનરલ મેનેજર, એડિશનલ જનરલ મેનેજર, વિભાગોના વડાઓ અને દક્ષિણ રેલવેના અન્ય રેલવે અધિકારીઓ સ્થળ પર સમારકામના કામનું નિરીક્ષણ કરી રહ્યા છે. ત્રણ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ચાર મુસાફરોને નાની ઇજાઓ માટે પોનેરી સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચો – મહારાષ્ટ્રમાં 170 સીટો પર ભાજપની નજર, ઝારખંડ અને મહારાષ્ટ્ર માટે બદલી રણનીતિ