Weather Update: હાલમાં દેશના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે વરસાદ બાદ પણ દિલ્હીમાં આકરી ગરમી યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હી NCRમાં વાદળછાયું વાતાવરણ રહેશે, હળવો વરસાદ થઈ શકે છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી જઈ શકે છે.
મહારાષ્ટ્રમાં વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના પાલઘર, સતારા અને પુણે જિલ્લાઓ માટે આજે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. જ્યારે રાયગઢ, સિંધુદુર્ગ, મુંબઈ, થાણે અને નાસિક માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. IMD અનુસાર, આજે પાલઘરમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
બિહારમાં આગામી બે દિવસ સુધી વરસાદ
ઝારખંડ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં આજથી 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે. જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આજે કેટલીક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ તો કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
યુપીના પ્રયાગરાજ સહિત આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ
દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર, સોનભદ્ર, ચંદૌલી, વારાણસી, સંત રવિદાસ નગર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત ચિત્રકૂટ, મુઝફ્ફરનગર, કૌશામ્બી, રામપુર, પ્રયાગરાજ, સહારનપુર, શામલી, બિજનૌર, મુરાદાબાદ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આજે, ઉત્તરાખંડમાં 7 ઓગસ્ટે, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડમાં આવતીકાલે અને આસામ અને મેઘાલયમાં 6 થી 9 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.