
પીએમ મોદીને મળી સીઇઓએ જાહેરાત કરી.માઇક્રોસોફ્ટ ભારતમાં રૂ. ૧.૫ લાખ કરોડનું જંગી રોકાણ કરશે : નડેલા.ગૂગલના સીઇઓ પિચાઈ પણ પીએમ મોદીને મળીને ભારતમાં ૧૫ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી ચૂક્યા છે.માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમણે ભારતમાં એઆઇમાં ૧૭.૫ અબજ ડોલર (૧.૫ લાખ કરોડ રુપિયા)ના રોકાણનું વચન આપ્યું છે. અમેરિકન કંપની માઇક્રોસોફ્ટનું એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. સત્ય નડેલાએ સોશિયલ મીડિયા પર એઆઈને લઈ પ્રેરણાજનક વાત માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દેશના લક્ષ્યોનો સમર્થન આપવું, માઇક્રોસોફ્ટ ભારત એઆઈ-ફર્સ્ટના ભવિષ્ય માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્કિલ્સ અને સોવરીન ક્ષમતા બનાવવામાં મદદ કરવા માટે ૧૭.૫ અબજ ડોલરના રોકાણનું વચન આપે છે. માઇક્રોસોફ્ટ અગાઉ બેંગ્લુરુમાં ક્લાઉડ અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ ત્રણ અબજ ડોલરનું રોકાણ કરી ચૂકી છે. તેથી નવું ૧૭.૫ અબજ ડોલર એટલે કે ૧.૫ લાખ કરોડનું રોકાણ તે સિવાયનું હશે. આ રોકાણમાં અપસ્કિલિંગ અને નવા ડેટા સેન્ટરનો સમાવેશ થાય છે. તેની સાથે કંપની ભારતમાં મોટાપાયા પર હાજરી સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરશે.
કંપનીએ જણાવ્યું હતું કે ભારત આજે એઆઇના મોરચે મહત્ત્વના પડાવમાંથી પસાર થઈ રહ્યું છે. તેમા આગળ રહેવાની ભૂખ અને વ્યાપના આધારે તેને વ્યાખ્યાયિત કરી શકાય. ટેકનોલોજી સમાવિષ્ટ વૃદ્ધિ માટે પ્રેરકબળ બની રહી છે અને આર્થિક મોરચે ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે ત્યારે દેશ એઆઈના મોરચે ઇમર્જિંગ ફ્રન્ટિયર તરીકે આગળ આવી શકે છે. તેથી જ અમે આગામી ચાર વર્ષમાં એશિયાનું સૌથી મોટું રોકાણ ભારતમાં કરવાની જાહેરાત કરી છે.
માઇક્રોસોફ્ટે ભારતમાં આગામી ચાર વર્ષ માટે લગભગ ૨૦ અબજ ડોલરનું રોકાણ કરવાનું નક્કી કરી રાખ્યું છે. ભારતમાં કંપની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આગળ રહેવા માંગે છે.
આ પહેલા ઓક્ટોબરમાં ગૂગલના સુંદર પિચાઈ પણ વડાપ્રધાન પીએમ મોદીને મળ્યા હતા અને આંધ્રના વિશાખાપટ્ટનમમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું હબ સ્થાપવાના આયોજનો અંગે જણાવ્યું હતું.
ગૂગલનું પણ ભારતમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું રાકાણ છે. ગૂગલે વિશાખાપટ્ટનમમાં ડેટા સેન્ટર અને એઆઈ બેઝ સ્થાપવા માટે અદાણી જૂથ સાથે ભાગીદારી કરી છે. કંપની ભારતમાં આગામી પાંચ વર્ષમાં ૧૫ અબજ ડોલરનું રોકાણ કરવાનું આયોજન ધરાવે છે.




