Odhisha: દેશના ઘણા ભાગોમાં ભીષણ ગરમીના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. રોજેરોજ જીવ ગુમાવનારાઓનો મૃત્યુઆંક વધી રહ્યો છે. દેશમાં હીટવેવને કારણે 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, અને એકલા ઓડિશામાં 45 લોકોના મોત થયા છે.
ઓડિશામાં રવિવારે 45 મૃત્યુ નોંધાયા હતા અને બિહારના ઔરંગાબાદ જિલ્લામાં મતદાન ફરજ પરના એક કોન્સ્ટેબલનું હીટવેવને કારણે મૃત્યુ થયું હતું, જેના કારણે દેશમાં ગરમી સંબંધિત મૃત્યુઆંક 211 થયો હતો. જેમાંથી એકલા ઓડિશામાં 141 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઓડિશા સરકારના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 45 મૃત્યુ નોંધાયા હતા, જેમાંથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, 26 લોકોના મોત હીટવેવને કારણે થયા હતા.
સુંદરગઢ એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આશુતોષ કુલકર્ણીએ કહ્યું કે, ‘ઓડિશાના પશ્ચિમી ભાગમાંથી ઘણા શંકાસ્પદ હીટવેવના મોતની જાણ થઈ રહી છે. સુંદરગઢ જિલ્લો હીટવેવથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જ્યાં 3 દિવસમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં 6 લોકોના મોત હીટ સ્ટ્રોકના કારણે થયા હોવાની પુષ્ટિ થઈ છે.
બાલાંગિર જિલ્લામાં 20 મૃત્યુ નોંધાયા છે, જેમાંથી 4 લોકો હીટસ્ટ્રોકને કારણે મૃત્યુ પામ્યા છે. સંબલપુરમાં 18 લોકોના મોત થયા છે. સંબલપુર જિલ્લા કલેક્ટર અક્ષય સુનીલ અગ્રવાલે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ 5 લોકોના મોતનું કારણ હીટ વેવ હતું અને બાકીના મૃત્યુ હીટ વેવને કારણે થયા હોવાની શક્યતા છે.
શનિવારે બિહારના ઔરંગાબાદ જિલ્લામાં કોન્સ્ટેબલ રામ ભજન સિંહ બસમાં EVM મશીન લઈને જતા સમયે બેહોશ થઈ ગયા હતા. તેમને પટના એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમના જિલ્લાઓમાં બુધવાર સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવે ત્યાં સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો પ્રવર્તશે.