
ચીનની હિલચાલ પર મોદી સરકારના મંત્રીનું નિવેદન ઘૂસણખોરીનો દાવો ખોટો પણ બોર્ડર પર સમસ્યા તો છે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર સીમાંકન ન હોવાથી સમસ્યા સ્વીકારી છે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી અને અરુણાચલ પ્રદેશના સાંસદ કિરેન રિજિજૂએ ભારત-ચીન સરહદ (LAC) ને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન બોર્ડર પર સરહદ રેખાંકિત ન હોવાને કારણે સમસ્યા ચોક્કસ છે. જાેકે, તેમણે ચીની સેના દ્વારા અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિલોમીટર અંદર સુધી ઘૂસણખોરી કરવાના અહેવાલોને તથ્યહીન ગણાવીને ફગાવી દીધા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી અફવાઓથી ભારતીય સેનાનું મનોબળ તૂટે છે, પરંતુ સરહદી વિસ્તારોમાં ચાઇનીઝ આર્મીની વધેલી ગતિવિધિઓને ગંભીરતાથી લેવી જરૂરી છે.
કિરેન રિજિજૂએ ભારત-ચીન સરહદ વિવાદ વિશે વિગતવાર વાત કરતા જણાવ્યું કે, અરુણાચલ પ્રદેશમાં બંને દેશો વચ્ચે ખૂબ જ લાંબી સીમા છે. પરંતુ જમીન પર બોર્ડર પિલર કે સ્પષ્ટ રેખાંકન નથી. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે તિબ્બત એક અલગ રાષ્ટ્ર હતું ત્યારે પણ ભારત અને તિબ્બત વચ્ચે સરહદનું પરિસીમન થયું નહોતું. તેમણે ઉમેર્યું કે દુર્ગમ અને ઊંચાઈ વાળા વિસ્તારોમાં ગામડાં નથી હોતા, ગામડાં માત્ર ખીણમાં હોય છે. સ્થાનિક લોકો પરંપરાગત રીતે પશુઓ ચરાવવા, શિકાર કરવા કે વેપાર માટે ઉપરના વિસ્તારોમાં જતા હતા. સરહદનું સીમાંકન ન હોવાને કારણે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અવારનવાર તણાવ સર્જાય છે.
સરહદી વિવાદના મૂળ કારણો વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ચીને પહેલા સરહદ પાસે રસ્તાઓ, હાઇવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, “કોંગ્રેસના શાસનકાળ દરમિયાન તત્કાલીન સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીએ સંસદમાં નિવેદન આપ્યું હતું કે અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં રસ્તા ન બનાવવા એ ભારત સરકારની નીતિ છે. જ્યારે બીજી તરફ ચીન સતત રસ્તાઓ અને કેમ્પ બનાવતું રહ્યું. આપણો રસ્તો ન હોવાથી અને ચીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી લીધું હોવાથી ઊંચાઈ વાળા વિસ્તારોમાં તેમણે કબજાે કરી લીધો.”
જાેકે, વર્ષ ૨૦૧૪ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે આ નીતિ બદલી નાખી અને સરહદ પર ઝડપથી રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ શરૂ કર્યું. રિજિજૂએ સ્પષ્ટ કર્યું કે, “એવું નથી કે ચીને આવીને આપણાં ગામડાં પર કબજાે કરી લીધો છે, પણ સીમાંકન ન હોવાને કારણે કેટલીક જમીન પર તેમની નજર છે.” કિરેન રિજિજૂએ ઐતિહાસિક સંદર્ભ આપતા જણાવ્યું કે, લોંગજુ (Longju) થી આગળ જ્યાં નદીનું મિલન થાય છે, ત્યાં ચાઇનીઝ ના કેટલાક સ્ટ્રક્ચર અને બિલ્ડિંગો બનેલા છે. પરંતુ આ જમીન પર ચીને ૧૯૫૯માં કબજાે કર્યો હતો, જ્યાં આસામ રાઇફલ્સના જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું કે હાલમાં જ્યાં આપણી બોર્ડર પોઇન્ટ અને પોસ્ટ છે, ત્યાં ૧૯૬૨ પછી આનાકાની બંધ છે. પરંતુ ટોપ રિજ (ટોચના વિસ્તારો) પર ચીની સેનાની ગતિવિધિઓ ચોક્કસપણે વધી છે અને સરહદી ગામના લોકોએ વ્યક્ત કરેલી ચિંતા વ્યાજબી છે, જેને ભારત સરકારે ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે.
અરુણાચલ પ્રદેશને લઈને ભારત અને ચીન વચ્ચેનો મૂળ વિવાદ સરહદની વૈધતા અને સાર્વભૌમત્વનો છે. ભારત સમગ્ર અરુણાચલ પ્રદેશને પોતાનો અવિભાજ્ય અંગ માને છે, જ્યારે ચીન આ વિસ્તાર પર પોતાનો દાવો કરીને તેને ‘ઝાંગનાન’ અથવા ‘દક્ષિણ તિબ્બત’ કહે છે, જેને ભારતે હંમેશા ફગાવી દીધું છે.




