
હરમનપ્રીત સિંહ અને અભિષેકનો કમાલ ભારતે પાકિસ્તાનને ૫-૩થી હરાવી હોકી વર્લ્ડ કપમાંથી કર્યું બહાર વેલ્સ સામેની મેચ બાદ ભારતીય દિગ્ગજાેએ ફરી એકવાર પાકિસ્તાન સામેના પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધા નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીનના વેગનર સ્ટેડિયમમાં પાકિસ્તાનને હરાવીને ભારતે આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ભારતે ૫-૩થી શાનદાર વિજય મેળવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો, જ્યારે આ હારથી પાકિસ્તાનના વર્લ્ડ કપ અભિયાનનો અંત આવ્યો.
ભારતીય ખેલાડીઓએ મેચની શરૂઆત વિસ્ફોટક રીતે કરી. કેપ્ટન હરમનપ્રીત સિંહે શાનદાર શોટ વડે બોલને સીધો ગોલમાં ફટકારીને ભારતને લીડ અપાવી. પ્રથમ ક્વાર્ટરના અંત પહેલા ભારતીય ફોરવર્ડ અભિષેકે પણ શાનદાર પ્રદર્શન કર્યું. પાકિસ્તાની ડિફેન્ડરોને ચોંકાવીને એક શાનદાર ગોલ કર્યો. અભિષેકના ગોલ બાદ સ્ટેડિયમમાં ભારતીય ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
પાકિસ્તાને આક્રમક વલણ સાથે વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય ડિફેન્ડર જુગરાજ સિંહે શાનદાર, યોગ્ય સમયે બચાવ કરીને તેના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. ત્યારબાદ ભારતે વ્યૂહાત્મક ફાયદો મેળવ્યો. પેનલ્ટી કોર્નર દરમિયાન સીધા ડ્રેગ-ફ્લિક કરવાને બદલે કેપ્ટન હરમનપ્રીત સિંહે બોલ રાજેન્દ્ર સિંહને પાસ કર્યો. ગોલકીપરે રાજેન્દ્રનો શોટ બચાવ્યો હોવા છતાં ભારતે કબજાે જાળવી રાખ્યો અને હરમનપ્રીતે રિબાઉન્ડને ચોકસાઈથી ફટકારીને ત્રીજાે ગોલ કર્યો.
હરમનપ્રીત સિંહ અને અભિષેકે આ મેચમાં કમાલ કર્યો. બંનેએ બે-બે ગોલ કર્યા, જેના કારણે પાકિસ્તાનનું વર્લ્ડ કપમાં આગળ વધવાનું સપનું રોળાયું.
હરમનપ્રીત અને અભિષેક ઉપરાંત હાર્દિક સિંહે પણ એક ગોલ કર્યો.
પાકિસ્તાન માટે હન્નાન શાહિદે બે અને સુફિયાન ખાને એક ગોલ કર્યો, જાેકે ટીમને અંતે હારનો સામનો કરવો પડ્યો.




