
સંસદમાં અનોખો વિરોધ પૂજારી બન્યા પપ્પુ યાદવ, રાહુલ ગાંધીએ આપ્યું દાન; પછી દાનપેટી લઈને ભાગ્યા સાંસદ! વિપક્ષે રામ મંદિર દાનમાં કથિત ચોરી અને ગૃહમંત્રીની ગેરહાજરી મુદ્દે સરકારને ઘેરી હતી : ઘટનાનો વીડિયો વાઇરલ
સંસદનું ચોમાસું સત્ર સતત કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહ્યું છે. પરંતુ આજે સંસદ પરિસરમાં એક એવો રાજકીય અને અનોખો નજારો જાેવા મળ્યો, જેને જાેઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બિહારના પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવ પૂજારીના વેશમાં જમીન પર બેઠેલા જાેવા મળ્યા હતા. તેમની પાસે એક દાનપાત્ર રાખેલું હતું અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમાં વિધિવત રીતે રૂપિયા નાખતા નજરે પડ્યા હતા. વિપક્ષે અયોધ્યામાં રામ મંદિરના દાનની ચોરી અને સંસદમાંથી ગૃહ મંત્રી અમિત શાહની ગેરહાજરીને લઈને આ કટાક્ષપૂર્ણ શોર્ટ પ્લે (નાટક) રજૂ કર્યું હતું.
વિપક્ષી સાંસદોના આ અનોખા વિરોધ પ્રદર્શનની કથા ખૂબ જ રસપ્રદ અને વ્યંગાત્મક હતી. સાંસદ પપ્પુ યાદવ પૂજારીનો વેશ ધારણ કરીને દાનપાત્ર સાથે જમીન પર બેસી ગયા હતા. રાહુલ ગાંધીએ આગળ વધીને દાનપાત્રમાં દાન આપ્યું, જેના પછી પૂજારી બનેલા પપ્પુ યાદવે અયોધ્યાના સાંસદના ચરણ સ્પર્શ કર્યા હતા. ચરણ સ્પર્શ કર્યા પછી તુરંત જ પૂજારી બનેલા પપ્પુ યાદવ દાનપાત્ર લઈને અચાનક ત્યાંથી ભાગી છૂટ્યા હતા. વિપક્ષના જણાવ્યા અનુસાર, આ પ્રતિકાત્મક નાટક દ્વારા તેઓ અયોધ્યા રામ મંદિરના દાનમાં થયેલી નાણાકીય અનિયમિતતાઓ અને દાન ચોરીના મુદ્દે સરકારને ઘેરી રહ્યા હતા.
આ રાજકીય નાટક દરમિયાન પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઇન્ડિયા ગઠબંધનના તમામ મોટા નેતાઓ હાથમાં પોસ્ટર્સ લઈને ઊભા હતા. આ પોસ્ટર્સ પર મોટા અક્ષરે લખેલું હતું કે, ગૃહ મંત્રી અમિત શાહ સંસદમાંથી ગાયબ કેમ છે? વિપક્ષનો આક્ષેપ છે કે દેશના આટલા મહત્ત્વના મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા ચાલી રહી છે, પરંતુ ગૃહ મંત્રી ગૃહમાંથી ગેરહાજર છે.
સાંસદ પપ્પુ યાદવનું આ કોઈ પહેલું અનોખું વિરોધ પ્રદર્શન નથી. આ પહેલાં પણ તેઓ પોતાના અલગ-અલગ અવતારોથી રાજકીય ગલિયારામાં ચર્ચામાં રહી ચૂક્યા છે. અગાઉ તેમણે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં સંસદ ભવન બહાર શરીર પર પટ્ટીઓ બાંધીને ઈજાગ્રસ્ત અને લાઠીચાર્જ પીડિતનો વેશ ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત, મે ૨૦૨૬માં પપ્પુ યાદવ પૂર્ણિયાના જલાલગઢ સ્થિત એક ખાનગી શાળામાં અચાનક શિક્ષક બનીને ક્લાસરૂમમાં પહોંચી ગયા હતા, જ્યાં તેમણે બાળકોને નૈતિકતા અને જીવનના પાઠ ભણાવ્યા હતા. સંસદ પરિસરમાં યોજાયેલા આ રાજકીય નાટક અને વિરોધ પ્રદર્શનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.




