
વડાપ્રધાન મોદીએ યુનિવર્સિટીઓને કરી અપીલ આંગણવાડી કેન્દ્રો દત્તક લો, વિદ્યાર્થીઓ પાસે કરાવો સામાજિક અસરનો અભ્યાસ કિશોરીઓના સ્વાસ્થ્ય, પોષણ અને સર્વાંગી વિકાસ પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને નજીકનાં આંગણવાડી કેન્દ્રો દત્તક લેવા અને સેવાઓની ગુણવત્તા સુધારવા માટે સામાજિક અસરના અભ્યાસ હાથ ધરવા અપીલ કરી હતી. વડાપ્રધાને આંગણવાડી કેન્દ્રો અને સામાજિક પહેલ સાથે મેડિકલના વિદ્યાર્થીઓ, રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સ્વયંસેવકો તથા નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ના સ્વયંસેવકોને જાેડવાનું પણ સૂચવ્યું હતું. આ ઉપરાંત, કિશોરીઓના સ્વાસ્થ્ય, પોષણ અને સર્વાંગી વિકાસ પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન મોદીએ બે દિવસીય સંમેલનના સમાપન સત્રની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, આ સંમેલનમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. તેમાં પોષણ અને પ્રારંભિક બાળ સંભાળ, બાળ સુરક્ષા, મહિલાઓની સલામતી અને સશક્તિકરણ તથા વિવિધ વિભાગો વચ્ચે વધુ સારા સંકલન દ્વારા સેવાઓની ગુણવત્તા સુધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.
જનભાગીદારી પર ભાર મૂકતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આંગણવાડી કેન્દ્રો માત્ર અલગથી કાર્ય કરતી સંસ્થાઓ બનીને ન રહે, પરંતુ સામાજિક ભાગીદારીનાં કેન્દ્રો તરીકે વિકસે. તેમણે સૂચવ્યું હતું કે, આંગણવાડીની આસપાસ રહેતા પરિવારોને ખાસ પ્રસંગોએ બાળકો માટે પૌષ્ટિક ખોરાક, રમકડાં અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ અન્ય વસ્તુઓનું યોગદાન આપવા પ્રોત્સાહિત કરવા જાેઈએ.
આંગણવાડી સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારીનું મહત્ત્વ પણ તેમણે સમજાવ્યું હતું. નજીકનાં આંગણવાડી કેન્દ્રોને દત્તક લઈને અને સામાજિક અસરના અભ્યાસ હાથ ધરીને યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને સામાજિક કલ્યાણમાં યોગદાન આપવાની તક આપી શકે છે. સાથે જ, આવા અભ્યાસ દ્વારા આંગણવાડીની સેવાઓમાં સુધારો કરવા માટે ઉપયોગી માહિતી પણ મળી શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મેડિકલના વિદ્યાર્થીઓ, NSS ના સ્વયંસેવકો અને NCC ના સ્વયંસેવકોને પણ આંગણવાડી કેન્દ્રો તથા અન્ય સામુદાયિક પહેલ સાથે જાેડી શકાય છે.




