કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના કાકાના ભાઇ વરૂણ ગાંધી પણ ભગવાનના દર્શન માટે પહોંચ્યા હતા. એવામાં કેદારનાથ-બદ્રીનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજયેંદ્ર અજયે પૃષ્ટી કરી કે બન્ને ભાઇઓની મુલાકાત વીઆઇપી હેલીપેડના રસ્તામાં મુખ્ય પૂજારીના ઘરમાં થઇ હતી.
રાહુલ ગાંધી રવિવારે કેદારનાથ પહોંચ્યા હતા. તે અહીં બે દિવસ રોકાયા હતા. રાહુલ ગાંધીએ સોમવારે કેદારનાથ મંદિરમાં રૂદ્રાભિષેક કર્યો હતો તો વરૂણ ગાંધી પણ મંગળવારે પોતાના પરિવાર સાથે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. વરૂણ ગાંધીની તસવીરો પણ સામે આવી છે.
ત્રણ દિવસની યાત્રાથી પરત ફર્યા રાહુલ ગાંધી
બાબા કેદારનાથમાં એક જ દિવસે રાહુલ-વરૂણની હાજરી પર સૂત્રોનું કહેવું છે કે આ માત્ર સંયોગ છે કે જ્યારે રાહુલ પોતાની ત્રણ દિવસની યાત્રા પૂર્ણ કર્યા પછી સવારે પરત ફરી રહ્યા હતા ત્યારે વરૂણ ગાંધી પરિવાર સાથે ત્યા પહોંચ્યા હતા. બન્ને ભાઇઓએ એક બીજાને શુભકામના પાઠવી હતી અને એક બીજા માટે પ્રાર્થના કરી હતી.
વર્ષોથી બગડ્યા છે બન્ને પરિવારના સંબંધ
રાહુલ ગાંધીના માતા સોનિયા અને વરૂણના માતા મેનકાના સંબંધો ઇન્દિરા ગાંધીના જમાનામાં બગડ્યા હતા જે આજ સુધી સુધર્યા નથી. ઇન્દિરા ગાંધી પછી અમેઠીથી રાજીવ ગાંધી વિરૂદ્ધ સંજય વિચાર મંચના બેનર હેઠળ મેનકાએ ચૂંટણી લડતા સંબંધો વધુ બગડ્યા હતા.
પ્રિયંકા ગાંધી સાથે ક્યારેક ક્યારેક વરૂણની વાત-મુલાકાત થતી રહે છે પરંતુ સાર્વજનિક રીતે વરૂણના કટ્ટર નિવેદનોને કારણે પ્રિયંકાએ તેમને સલાહ પણ આપી હતી. આજના રાજકીય સમયમાં ભાજપ અને વરૂણના સંબંધોને કારણે વરૂણ ગાંધીના આગળના પગલા પર તમામની નજર ટકેલી છે. ગાંધી પરિવારની નવી પેઢીના સાથે આવવાની પણ ચર્ચા છે.