
આતંકવાદ પર રાજનાથ સિંહની આખરી ચેતવણી આતંકવાદના ખાતમા માટે સેના સરહદ પાર કરવા તૈયાર પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે તો સિંધુ નદીનું પાણી રોકીને તેને દાણા-દાણા માટે તરસાવી દઈશું : સંરક્ષણ મંત્રી ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને અત્યાર સુધીની સૌથી કડક અને મોટી ચેતવણી આપી છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં ૧૬મી સદીના મહાન શાસક મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવા પહોંચેલા રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના સ્વાભિમાન અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. ભાજપ સરકાર ન્યાય અને માનવતાના સિદ્ધાંતો પર ચાલે છે, કોઈ જાતિ કે ધર્મના રાજકારણ પર નહીં.
પૂર્વવર્તી કોંગ્રેસ સરકારો પર નિશાન સાધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ૨૦૧૪ પહેલા દેશમાં અવારનવાર આતંકવાદી ઘટનાઓ થતી હતી, પરંતુ ત્યારે કડક કાર્યવાહીનો અભાવ હતો. તાજેતરમાં થયેલી આતંકવાદી ઘટનાઓનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે જ્યારે આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોના જીવ લીધા, ત્યારે સરકારે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું છે.
રાજનાથ સિંહે એક મોટો ખુલાસો કરતા કહ્યું કે મેં ત્રણેય સેનાના વડાઓની બેઠક બોલાવી હતી. જ્યારે મેં તેમને પૂછ્યું કે શું તેઓ ઓપરેશન માટે તૈયાર છે, ત્યારે આર્મી, એરફોર્સ અને નેવીના વડાઓએ હાથ ઉંચા કરીને કહ્યું કે સર, અમે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન માટે અત્યારે જ સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતે પોતાના સૈનિકોને ખુલ્લી છૂટ આપી દીધી છે અને જરૂર પડ્યે આતંકના ખાતમા માટે સરહદ પાર કરતા પણ સેના પાછળ નહીં હટે.
પોતાના ભાષણ દરમિયાન સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને લઈને અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આતંકવાદને પ્રોત્સાહન આપવાની પાકિસ્તાની હરકતો ભારત હવે સહન નહીં કરે. વડાપ્રધાન મોદી સાથે થયેલી ઉચ્ચ સ્તરીય ચર્ચાનો હવાલો આપતા તેમણે કહ્યું કે જાે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નહીં આવે, તો અમે હવે સિંધુ નદી જળ કરારને સ્થગિત કરી દીધો છે. આપણા દેશનું પાણી હવે ત્યાં નહીં જાય. અમે પાકિસ્તાનને દાણા-દાણા અને પાણીના એક-એક ટીપા માટે તરસાવી દઈશું.
રાજનાથ સિંહના આ આકરા નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત હવે આતંકવાદ વિરુદ્ધ રાજદ્વારી અને સૈન્ય બંને મોરચે આરપારની લડાઈના મૂડમાં છે.



