
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં શનિવારે સવારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓને ઠાર માર્યા હતા. ટીમે નક્સલીઓ પાસેથી શસ્ત્રો અને મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યા છે. અધિકારીએ જણાવ્યું કે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારના જંગલમાં સવારે 9 વાગ્યે જ્યારે સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી રહી હતી ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું હતું.
તેમણે કહ્યું કે બીજાપુર અને દાંતેવાડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), COBRA (CRPFનું એક ખાસ યુનિટ, કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન) ની 202મી અને 210મી બટાલિયનના સૈનિકો આ ઓપરેશનમાં સામેલ હતા. ડીઆરજી એ રાજ્ય પોલીસનું એક એકમ છે.
હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા
અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી ત્રણ નક્સલીઓના મૃતદેહ અને શસ્ત્રો અને વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં ૧૩૮ નક્સલીઓ માર્યા ગયા છે. આમાંથી, બસ્તર વિભાગમાં ૧૨૨ નક્સલીઓ માર્યા ગયા, જેમાં બીજાપુર સહિત સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે.
