
ગેરકાયદે ટ્રાન્ઝેક્શન અટકાવવામાં બેન્કોની નિષ્ફળતા સામે સવાલ.૫૪૦૦૦ કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ.બેન્ક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો થતા પહેલા ગ્રાહકો અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોને એલર્ટ કેમ નથી મોકલાતી?.સુપ્રીમ કોર્ટે ડિજિટલ અરેસ્ટને રોકવામાં નિષ્ફળતા મુદ્દે આકરા સવાલો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે ગ્રાહકો દ્વારા જીવનભરની કમાણી બેન્કોમાં જમા કરાવવામાં આવે છે જેને તેઓ ગુમાવી રહ્યા છે.
એવા સમયે શંકાસ્પદ લેનદેનને સમયસર પકડીને અટકાવવામાં કેમ નથી આવી રહી? બાદમાં એટર્ની જનરલે સુપ્રીમને જણાવ્યું હતું કે મામલાઓના ડેટા એકઠા કરાઇ રહ્યા છે અને એસઓપી તૈયાર કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મળેવી જાણકારી મુજબ ૫૪૦૦૦ કરોડથી વધુની રકમ ફ્રોડથી મેળવીને વિદેશ મોકલી દેવામાં આવી છે.
ડિજિટલ અરેસ્ટના કેસોને ગંભીરતાથી ના લેવા બદલ સુપ્રીમ કોર્ટે વિવિધ બેન્કોનો ઉધડો લીધો હતો, સાથે જ સવાલ કર્યો હતો કે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોને સમયસર કેમ નથી ઓળખી શકાતા, ગ્રાહકો પોતાના જીવનભરની કમાણી ગુમાવી રહ્યા છે, શું બેન્કોની કામ કરવાની ગુણવત્તા આવી જ છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચે સવાલ કર્યો હતો કે સરકારી અને ખાનગી બન્ને બેન્કો ગ્રાહકોની ફરિયાદ પર સમયસર કાર્યવાહી કેમ નથી કરી રહી? જ્યારે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થાય છે ત્યારે ગ્રાહકો અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોમાં એલર્ટ કેમ નથી મોકલવામાં આવતા? બાદમાં એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ મામલાઓને પહોંચી વળવા માટે એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હાલ અંતિમ રુપે પહોંચી ગઇ છે ટૂંક સમયમાં તેનો અમલ કરી દેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ગૃહ બાબતોના મંત્રાલયને કહ્યું હતું કે તે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અંગે વિચારે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેન્કો દ્વારા ફરિયાદો પર કરવામાં આવી રહેલી કાર્યવાહીને લઇને એક ડ્રાફ્ટ એસઓપી તૈયાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને કહ્યું છે કે ૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ તૈયાર કરેલા એસઓપીને સત્તાવાર રીતે અપનાવવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે. સાથે જ પીડિત ગ્રાહકોના ખાતામાંથી ફ્રોડ દ્વારા લઇ લેવામાં આવેલી રકમને પરત મેળવવા માટે વિવિધ એજન્સીઓ વચ્ચે તાલમેલ બેસાડવામાં આવે તેવા આદેશ પણ કર્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં એમિકસ ક્યૂરીએ કહ્યું હતું કે બેન્કો એવુ કહીને વળતર આપવાનું ટાળે છે કે પીડિતોએ સ્વેચ્છાએ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. આરબીઆઇનો એઆઇ ટૂલ મ્યૂલ હન્ટર ૮૬ બેન્કોમાં લાગુ થઇ ચુક્યો છે. જાેકે હજુસુધી ગેરકાયદે ટ્રાન્ઝેક્શનનોને ઝડપતી પકડી લેવા માટે કોઇ ખાસ એઆઇ ટૂલ અમલમાં નથી આવ્યું. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ૫૪૦૦૦ કરોડ રૂપિયા ફ્રોડથી મેળવીને વિદેશ મોકલી દેવામાં આવ્યા, દૈનિક રીતે ઓપરેટ થતા બેન્ક ખાતાઓ પર શંકા ના જાય તે સ્વાભાવીક છે પરંતુ પેન્શન મેળવનારા, નિવૃત થયેલા લોકોના બેન્ક ખાતાને નિશાન બનાવાય છે અને તેમની જીવનભરની કમાણી ખાતામાંથી લઇ લેવાય છે તે સમયે બેન્કો શું કરતી હોય છે. કેમ આ ટ્રાન્ઝેક્શનોને સમયસર નથી ઓળખી લેવાતા કે અટકાવી નથી શકાતા?




