
સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્થિતિ સ્પષ્ટ કરી યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી સમાન નાગરિક સંહિતા ભારતનું બંધારણીય લક્ષ્ય છે અને તેને કોઈ ચોક્કસ ધર્મ સાથે જાેડવું જાેઈએ નહીં દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્થિતિ સ્પષ્ટ કરી છે. ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે જણાવ્યું છે કે, સમાન નાગરિક સંહિતા ભારતનું બંધારણીય લક્ષ્ય છે અને તેને કોઈ ચોક્કસ ધર્મ સાથે જાેડવું જાેઈએ નહીં. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વિરુદ્ધ દાખલ કરાયેલી એક રિટ પિટિશનની સુનાવણી દરમિયાન સીજેઆઈએ આ મહત્વનું અવલોકન કર્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જાેયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચ મુસ્લિમ મહિલાઓના વારસાના અધિકારો અંગેની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, મુસ્લિમ પર્સનલ લો મહિલાઓ સાથે ભેદભાવ કરે છે.
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે, આદર્શ રીતે એક એવો યુનિફોર્મ સિવિલ કોડ હોવો જાેઈએ જે તમામ ધર્મોના વારસાના અધિકારોને નિયંત્રિત કરે. પરંતુ મુસ્લિમોમાં એવો ડર છે કે UCC ના નામે તેમના પર હિન્દુ સિવિલ કોડ થોપી દેવામાં આવશે.આ દલીલના જવાબમાં સીજેઆઈએ સ્પષ્ટ કર્યું કે UCC એ માત્ર કાયદો નથી પણ એક બંધારણીય વાસ્તવિકતા છે, જેનો ઉદ્દેશ્ય સમાનતા લાવવાનો છે, કોઈ ધર્મ પર પ્રહાર કરવાનો નહીં.
સુનાવણી દરમિયાન જસ્ટિસ જાેયમાલ્ય બાગચીએ પણ મહત્વની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, સમાજમાં એક વૈજ્ઞાનિક, તર્કસંગત અને માનવતાવાદી દ્રષ્ટિકોણ વિકસિત થવો જાેઈએ, જે આપણા મૂળભૂત કર્તવ્યોમાં પણ સામેલ છે. જ્યારે પ્રશાંત ભૂષણે કહ્યું કે, આપણે વિપરીત દિશામાં જઈ રહ્યા છીએ, ત્યારે કોર્ટે બંધારણીય ગરિમા જાળવવા પર ભાર મૂક્યો હતો.
ન્યાય નારી ફાઉન્ડેશન અને વકીલ પૌલોમી પાવની શુક્લા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં આર્ટિકલ ૩૨ હેઠળ મુસ્લિમ પર્સનલ લોને પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ માર્ચ મહિનામાં પણ સીજેઆઈ સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું હતું કે મહિલાઓના અધિકારો સાથે જાેડાયેલા ભેદભાવના પ્રશ્નોનો એકમાત્ર જવાબ યુનિફોર્મ સિવિલ કોડ જ છે.



