તિરુપતિ બાલાજી મંદિરમાં પીરસવામાં આવતા લાડુમાં પ્રાણીઓની ચરબી અને માછલીના તેલની પુષ્ટિ થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પોતે આ અહેવાલ બતાવ્યો છે. ત્યારથી મંદિરના પ્રસાદને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તિરુપતિ લાડુ સાથે જોડાયેલા મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે પ્રશાસને દેશભરમાં ધાર્મિક સ્થળોની પવિત્રતાની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
આ મુદ્દો દરેક ભક્તોને દુઃખ પહોંચાડશે
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ભગવાન બાલાજી ભારત અને સમગ્ર વિશ્વમાં લાખો ભક્તો માટે આદરણીય દેવતા છે. આ મુદ્દો દરેક ભક્તોને દુઃખ પહોંચાડશે અને તેના પર ઊંડાણપૂર્વક વિચાર કરવાની જરૂર છે.
પ્રશાસને ધાર્મિક સ્થળોની પવિત્રતાનું રક્ષણ કરવું જોઈએ
આ સાથે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આખા ભારતમાં વહીવટીતંત્રે આપણા ધાર્મિક સ્થળોની પવિત્રતાની રક્ષા કરવી પડશે.’ કોંગ્રેસના સાંસદોની સાથે અન્ય વિપક્ષી નેતાઓએ પણ આ મામલે સવાલો ઉઠાવ્યા છે.
ગુજરાત લેબમાં ટેસ્ટીંગ કરવામાં આવ્યું
તેલુગુ દેશમ પાર્ટીના પ્રવક્તા અનમ વેંકટા રમન રેડ્ડીએ ગુરુવારે શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા પૂરા પાડવામાં આવેલા ઘીના નમૂનાઓમાં ભેળસેળનો દાવો કર્યો હતો, જેને ગુજરાત સ્થિત પશુધન પ્રયોગશાળા દ્વારા પુષ્ટિ મળી હતી.
પ્રસાદમાં પશુઓની ચરબી અને માછલીનું તેલ
જેમાં સ્પષ્ટપણે નમૂનામાં ‘પ્રાણી ચરબી’, ડુક્કરની ચરબી અને માછલીના તેલની હાજરીની પુષ્ટિ થઈ. સેમ્પલ કલેક્શનની તારીખ 9 જુલાઈ અને લેબોરેટરી રિપોર્ટ 16 જુલાઈ હતી.