
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પ્રપૌત્ર TMCમાં જાેડાયા આ પગલાથી રાજકીય વર્તુળોમાં તીવ્ર અટકળો અને ચર્ચા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવનાર નેતાજી સુભાષ ચંદ્ર બોઝના વંશજે મોટું પગલું ભર્યું છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પ્રપૌત્ર ચંદ્ર કુમાર બોઝ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં જાેડાઈ ગયા છે. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે કે ચંદ્ર કુમાર બોઝ પહેલા ભાજપમાં હતા, પરંતુ બાદમાં તેમણે ભાજપનો સાથ છોડીને તૃણમૂલ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ચંદ્ર કુમાર બોઝના આ પગલાની રાજકીય જગતમાં ઘણી ચર્ચા થઈ રહી છે. હવે જાેવાનું એ રહેશે કે ચંદ્ર કુમાર બોઝના આવવાથી TMC ને ફાયદો થાય છે કે તેમની એન્ટ્રી બેઅસર સાબિત થાય છે.
ચંદ્ર કુમાર બોઝ TMC ઓફિસમાં કીર્તિ આઝાદ અને બ્રાત્ય બસુની હાજરીમાં પાર્ટીમાં જાેડાયા હતા. તેઓ અગાઉ ભાજપમાં હતા અને ૨૦૧૬માં ભવાનીપુરથી ભાજપના ઉમેદવાર તરીકે મમતા બેનર્જી સામે વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે.
પાર્ટીમાં જાેડાયા બાદ ચંદ્ર બોઝે કહ્યું કે, “ભાજપ નેતાજી સુભાષ ચંદ્ર બોઝના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખતું નથી. નેતાજીની વિચારધારા મુજબ કામ કરવું શક્ય નહોતું, કારણ કે ભાજપે તેની પરવાનગી આપી નહોતી. આજે આપણે જે જાેઈ રહ્યા છીએ તે ભાજપ દ્વારા ફેલાવવામાં આવેલ કોમવાદ અને વિભાજન છે. આ વખતે ભારતને બચાવવાની અને આ વિભાજનકારી રાજનીતિને રોકવાની લડાઈ છે. હવે તે સમય આવી ગયો છે.”
તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ, ખંડણી, જમીન હડપચી, ભરતી કૌભાંડો અને આંતરરાષ્ટ્રીય ‘હવાલા‘ નેટવર્ક્સ પર કડક કાર્યવાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, રાજ્યમાં વિવિધ કેસોમાં દરોડા, મિલકત જપ્તી, સમન્સ જારી કરવા અને ચાર્જશીટ દાખલ કરવા સહિત અનેક મહત્વપૂર્ણ કાર્યવાહી જાેવા મળી છે. આ કામગીરીથી રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને કથિત ગુનાહિત સિન્ડિકેટ સાથે જાેડાયેલા વ્યક્તિઓના નામ પ્રકાશમાં આવ્યા છે.




