
ભાજપે પણ કર્યો વળતો પ્રહાર સીમાંકન મુદ્દે રાજકીય ઘમાસાણ જારી, જ્ઞાનેશ કુમાર ફરી વિપક્ષના નિશાન પર સીમાંકન પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનરની સંભવિત ભૂમિકાને લઈને વિવાદ તેજ, રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન
દેશમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા (SIR) બાદ હવે સીમાંકનનો મુદ્દો રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સીમાંકન પ્રક્રિયાને આગળ વધારવાની તૈયારીઓ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ભૂમિકાને લઈને વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે. પ્રસ્તાવિત સીમાંકન બિલ ૨૦૨૬ની જાેગવાઈ મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર સીમાંકન પંચના પદેન સભ્ય બની શકે છે. આ જાેગવાઈને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.
પ્રસ્તાવિત બિલ મુજબ સીમાંકન પંચ દેશભરમાં લોકસભા અને વિધાનસભાની બેઠકોની સીમાઓનું નવેસરથી નિર્ધારણ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર પોતાની જગ્યાએ અન્ય ચૂંટણી કમિશનરને પણ આ જવાબદારી સોંપી શકે તેવી જાેગવાઈ કરવામાં આવી છે. આ સ્થિતિમાં ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અથવા વિવેક જાેશીને જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવતાં આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ પર પહેલેથી જ કબજાે કરવામાં આવ્યો છે. હવે જ્ઞાનેશ કુમાર સીમાંકન પ્રક્રિયાની પણ દેખરેખ રાખશે. તેમના મતે સીમાંકન પંચની પ્રસ્તાવિત રચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દેશનો ચૂંટણી નકશો બદલવાની સત્તા આપતી હોવાની ચિંતા છે.
રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપતાં ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે તેમના નિવેદનોને ફગાવી દીધા હતા. તેમણે રાહુલ ગાંધીની ટીકા કરતાં ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ ન હોય તો રાજીનામું આપવાની પણ ટકોર કરી હતી. આમ, સીમાંકનના મુદ્દે ભાજપ અને વિપક્ષ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અગાઉ પણ મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા (SIR) અને ચૂંટણી પંચની કામગીરીને લઈને વિપક્ષના આક્ષેપોનો સામનો કરી ચૂક્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આ વર્ષે માર્ચમાં ૧૯૩ વિપક્ષી સાંસદોએ તેમના વિરુદ્ધ પદ પરથી દૂર કરવાની નોટિસ પણ આપી હતી. ઓક્ટોબરમાં આશરે ૩૦૦ વિપક્ષી સાંસદોએ તેમના રાજીનામાની માગ સાથે કૂચ કરી હતી.
જ્ઞાનેશ કુમારનો મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યકાળ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૯ સુધી છે. કેન્દ્ર સરકાર ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલાં સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવા માગે છે. બીજી તરફ, સીમાંકન પંચના અંતિમ આદેશોને અદાલતમાં પડકારી ન શકાય તેવી પ્રસ્તાવિત જાેગવાઈને લઈને પણ વિપક્ષે ચિંતા વ્યક્ત કરી છે.
હવે સીમાંકન બિલ સંસદમાં કઈ રીતે આગળ વધે છે અને આ પ્રક્રિયામાં ચૂંટણી પંચની ભૂમિકા શું રહે છે તેના પર રાજકીય વર્તુળોની નજર ટકેલી છે.




