
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
પશ્ચિમ બંગાળમાં મતદાનને આડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહયા છે ત્યારે ચૂંટણી પંચના અણધડ વહીવટ અથવા તો “કોઈના “ ઇશારે કામ કરવાની તેની બિન તટસ્થતાને કારણે લોકશાહીના મુખ્ય સ્તંભ સમાન “મતદાન” થી લાખો નાગરિકો વંચિત રહે એવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
આમેય પશ્ચિમ બંગાળની ચૂંટણી બે પરસ્પર વિરોધી વિચારધારા વચ્ચેની મુખ્ય લડાઈ છે અને સમગ્ર દેશની તેની ઉપર નજર છે ત્યારે આ મહત્વની નિર્ણાયક ચૂંટણીમાં જો લાયક એવા લાખો મતદારોને એમના પવિત્ર બંધારણીય મતાધિકાર થી વંચિત રહેવું પડે તો એ ખરેખર લોકશાહી માટે લાંછનરૂપ ઘટના ગણાશે. અને એ પણ સવાલ છે કે જો લાખો પાત્ર મતદારો ચૂંટણી પંચની અણધડતાને કારણે પોતાના મતાધિકારનો ઉપયોગ ન કરી શકે અને તેનાથી જે પરિણામ આવશે તો એ ચૂંટણી પરિણામને યોગ્ય વ્યાજબી કે સાચું માની શકાય ખરું?? મતદાર યાદીઓના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા ને કારણે પશ્ચિમ બંગાળ માં ઊભી થયેલી જટિલતાઓએ એવી આશંકા ઊભી કરી છે કે લાખો મતદારો તેમના મતાધિકારથી વંચિત રહી શકે છે. અને આ મુદ્દા અંગે રાજયભરમાં લોકોનો રોષ પણ જોવા મળ્યો છે ત્યારે પ્રશ્ન એ છે કે જો કોઈપણ કારણોસર જે મતદારો પછીથી લાયક સાબિત થાય કે જેમને મતદાન કરવાથી અટકાવવામાં આવે છે તો એના માટે કોને જવાબદાર ગણવામાં આવશે?
સમસ્યા એ છે કે પશ્ચિમ બંગાળમાં મતદાન ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ થવાનું છે. છતાં હાલમાં મોટી સંખ્યામાં નાગરિકો મતદાર યાદીમાંથી બાકાત રખાયા છે. લોકોના મતદાનના અધિકારનું રક્ષણ કરવા માટે રચાયેલ પ્રક્રિયા અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો લોકશાહી અને બંધારણીય અધિકારોના દ્રષ્ટિકોણથી ખૂબ જ દુ:ખદ છે. બહુ ઓછા લોકો આ વાત સાથે અસંમત થશે કે કોઈપણ અયોગ્ય વ્યકિતને મતદાનનો અધિકાર ન આપવો જોઈએ. ત્યારે આજ ધારાધોરણ મુજબ ખરેખર લાયક કોઈપણ મતદારને ફકત તકનીકી સૂક્ષ્મતા અને જટિલતાઓના આધારે તેના મતદાનના અધિકારોથી વંચિત ન જ રાખવો જોઈએ.



