
અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો.વડાપ્રધાન મોદીએ નતમસ્તક થઈને જનતાનું કર્યું અભિવાદન.શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ પ્રસંગે આખા પશ્ચિમ બંગાળમાં ઉત્સાહનો માહોલ જાેવા મળ્યો હતો.પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં ૯ મે, ૨૦૨૬ની તારીખ સુવર્ણ અક્ષરે અંકાઈ ગઈ છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ભવ્ય સમારોહમાં પીએમ મોદીએ બંગાળની જનતાનું જે રીતે અભિવાદન કર્યું, તેણે વર્ષ ૨૦૧૪ની યાદો તાજી કરી દીધી છે.
બંગાળમાં લાંબા સમય સુધી ડાબેરી પક્ષો અને ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું શાસન રહ્યું છે. જાેકે, વર્ષ ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજ્યમાં પ્રથમવાર ભાજપની સત્તા સ્થાપી છે. શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ પ્રસંગે આખા બંગાળમાં ઉત્સાહનો માહોલ જાેવા મળ્યો હતો. પીએમ મોદીએ મંચ પર પહોંચીને અત્યંત શ્રદ્ધાપૂર્વક અને નતમસ્તક થઈને બંગાળની જનતાને પ્રણામ કર્યા હતા. પીએમ મોદીની નતમસ્તક થવાની આ શૈલીએ વર્ષ ૨૦૧૪ના એ દ્રશ્યોની યાદ અપાવી, જ્યારે તેઓ લોકસભા ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર સંસદ ભવન પહોંચ્યા હતા. તે સમયે તેમણે લોકશાહીના મંદિર સંસદ ભવનને આવી જ રીતે પગથિયા પર માથું ટેકવીને નમન કર્યા હતા. તે જ રીતે, નવી સંસદના ઉદ્ઘાટન વખતે ‘સેંગોલ‘ની સ્થાપના સમયે પણ તેમણે નમ્રતા સાથે પ્રણામ કર્યા હતા. હવે બંગાળમાં મળેલા ઐતિહાસિક જનાદેશ બદલ આભાર વ્યક્ત કરવા તેમણે ફરી એકવાર જનતા સામે શિશ ઝુકાવ્યું છે.
જ્યારે વડાપ્રધાન મોદી જનતા સામે નતમસ્તક થયા, ત્યારે મંચ પર હાજર અન્ય નેતાઓ અને મેદાનમાં ઉપસ્થિત હજારો લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ બંગાળના ૯૭ વર્ષીય માખન લાલ સરકારના ચરણસ્પર્શ પણ કર્યા હતા, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.



