
પશ્ચિમ બંગાળમાં મતદાનનો બીજાે તબક્કો પશ્ચિમ બંગાળમાં ૫ વાગ્યા સુધી ૮૮.૯૯ ટકા મતદાન હુગલીમાં ૯૦.૩૪%, હાવડામાં ૮૯.૪૪%, કોલકાતા નોર્થમાં ૮૭.૭૭% અને કોલકાતા સાઉથમાં ૮૬.૧૧% મતદાન થયું
પશ્ચિમ બંગાળમાં આજે મતદાનના બીજા તબક્કામાં સાંજે ૫ વાગ્યા સુધી ૮૮.૯૯ ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લાઓની વાત કરીએ તો હુગલીમાં ૯૦.૩૪%, હાવડામાં ૮૯.૪૪%, કોલકાતા નોર્થમાં ૮૭.૭૭% અને કોલકાતા સાઉથમાં ૮૬.૧૧% મતદાન થયું હતું. જ્યારે નાદિયામાં ૯૦.૨૮%, નોર્થ ૨૪ પરગણામાં ૮૯.૭૪%, પૂર્વ બર્ધમાનમાં સૌથી વધુ ૯૨.૪૬% અને સાઉથ ૨૪ પરગણામાં ૮૯.૫૭% વોટિંગ નોંધાયું હતું. મુખ્યમંત્રી મમતા બેનર્જીની બેઠક ભવાનીપુરમાં ૮૫.૫૧% મતદાન થયું હતું. મહત્ત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં ૯૨.૭૨ ટકા મતદાન થયું હતું.
આ તબક્કામાં રાજ્યના અનેક મોટા ચહેરાઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ ગયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના પરંપરાગત મતક્ષેત્ર ભબાનીપુરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમની સામે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી મેદાનમાં છે. આ સિવાય રાજ્ય મંત્રી સુજીત બોસ (બિધાનનગર), ફિરહાદ હકીમ (કોલકાતા પોર્ટ), બ્રાત્ય બસુ (દમ દમ) અને ભાજપના અર્જુન સિંહ (નોઆપાડા) તથા સ્વપન દાસગુપ્તા (રાશબિહારી) જેવા દિગ્ગજાેની પ્રતિષ્ઠા દાવ પર છે. ડાબેરી પક્ષો તરફથી મીનાક્ષી મુખર્જી અને આઈએસએફના નૌશાદ સિદ્દીકી પણ આ જંગમાં હતા.
ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરી હતી. કેન્દ્રીય સુરક્ષા દળોની ૨,૩૨૧ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે, જેમાંથી સૌથી વધુ ૨૭૩ કંપનીઓ માત્ર કોલકાતામાં છે. કુલ ૪૧,૦૦૧ મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ દ્વારા સીધું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રોન કેમેરાથી પણ સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી હતી. તૃણમૂલ કોંગ્રેસ માટે ભવાનીપુર બેઠક જાળવી રાખવી એ મમતા બેનર્જીના રાજકીય પ્રભાવ અને પ્રતિષ્ઠાને જાળવી રાખવાનો વિષય છે. ભાજપ માટે આ ગઢને તોડી પાડવાનો અર્થ બંગાળના સૌથી શક્તિશાળી નેતા “અજેય” હોવાની દંતકથાને તોડી નાખવાનો થશે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના આઠ વોર્ડમાં ફેલાયેલા ભવાનીપુર મતવિસ્તારને ઘણીવાર મીની ભારત તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં બંગાળીઓ, ગુજરાતીઓ, મારવાડીઓ, જૈનો, શીખો, મુસ્લિમો અને બિહાર અને ઝારખંડના સ્થળાંતરિત સમુદાયોની વિવિધ વસ્તી રહે છે.
બંગાળ ચૂંટણીના બીજા તબક્કામાં ૩૨.૧ મિલિયન મતદારો છે હતા. આમાં ૧૬.૪૩ મિલિયન પુરુષો, ૧૫.૭૩ મિલિયન મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં ૪૧,૦૦૧ મતદાન મથકો પર મતદાન થયું હતું. કેન્દ્રીય દળોની ૨૩૨૧ કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી.આ તબક્કામાં ચૂંટણી લડી રહેલા મતવિસ્તારોમાં ભાંગડમાં સૌથી વધુ ૧૯ ઉમેદવારો છે, જ્યારે ગોઘાટમાં સૌથી ઓછા પાંચ ઉમેદવારો છે. આ તબક્કામાં મુખ્ય ઉમેદવારોમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સમાવેશ થાય છે, જે ભવાનીપુરથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. આ તબક્કાની સૌથી હાઇ-પ્રોફાઇલ સ્પર્ધાઓમાંની એકમાં તેમનો સામનો ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારી સામે છે.



