
T20 વર્લ્ડ કપ ટીમમાં ચાન્સ નથી મળ્યો.રાજકોટમાં ધ્રૂવ જુરેલે તોફાની સદી ફટકારી.ધ્રૂવ જુરેલ ૧૦૧ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી ૧૬૦ રન બનાવીને અણનમ રહ્યો હતો.ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે વિજય હઝારે ટ્રોફીમાં પોતાની વિસ્ફોટક બેટિંગનો પરચો આપતા પોતાની લિસ્ટ-એ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી દીધી છે. ઉત્તર પ્રદેશ (UP) તરફથી બરોડા સામે રાજકોટમાં રમાઈ રહેલી મેચમાં, જુરેલે ૧૦૧ બોલમાં ૧૬૦ રનની અણનમ અને તોફાની ઇનિંગ રમી હતી. ઉલ્લેખનીય છે કેT20 વર્લ્ડકપ માટેની ટીમ ઈન્ડિયામાં ધ્રૂવ જુરેલને પણ સ્થાન નથી મળ્યું. લાગે છે કે એનો જ ગુસ્સો એણે રાજકોટમાં વિજય હઝારે ટ્રોફીમાં બતાવતા પસંદગીકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.
૨૪ વર્ષીય ધ્રુવ જુરેલે નંબર-૩ પર બેટિંગમાં આવીને બરોડાના બોલરો પર શરૂઆતથી જ વળતો પ્રહાર કર્યો હતો. તેણે મેદાનની ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવ્યો. પોતાની સદી માત્ર ૭૮ બોલમાં પૂર્ણ કર્યા બાદ, તેણે વધુ આક્રમક રમત બતાવી અને અંતે ૧૦૧ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી ૧૬૦ રન બનાવીને અણનમ રહ્યો. આ તેની લિસ્ટ-એ કારકિર્દીની પ્રથમ સદી છે. ધ્રુવ જુરેલની આ શાનદાર સદી ઉપરાંત, કેપ્ટન રિંકુ સિંહે પણ ૬૩ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ઓપનર અભિષેક ગોસ્વામીએ ૫૧ રનનું યોગદાન આપ્યું. આ સંયુક્ત પ્રદર્શનના આધારે ઉત્તર પ્રદેશની ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૬૯ રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
ધ્રુવ જુરેલ આ સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે. આ સદી પહેલા, તેણે હૈદરાબાદ અને ચંદીગઢ સામેની શરૂઆતની બે મેચોમાં પણ અર્ધસદી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, જુરેલ તાજેતરમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી ન હતી.
ધ્રુવ જુરેલનું આ શાનદાર ફોર્મ IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ (RR) માટે સારા સમાચાર છે. જુરેલ IPL માં રાજસ્થાન રોયલ્સનો મહત્વનો ખેલાડી છે અને આગામી સિઝન માટે ફ્રેન્ચાઇઝીએ તેને રિટેન પણ કર્યો છે. તેની આક્રમક બેટિંગ જાેતા રાજસ્થાન રોયલ્સનું મેનેજમેન્ટ ચોક્કસપણે ખુશ થશે.




