Paris Olympics 2024 : હોકી ઈન્ડિયાએ આખરે પેરિસ ઓલિમ્પિક 2024 માટે 16 સભ્યોની ભારતીય પુરૂષ ટીમની જાહેરાત કરી છે. આગામી ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ ટીમની કપ્તાની અનુભવી ખેલાડી હરમનપ્રીત સિંહ સંભાળશે, જે ત્રીજી વખત ઓલિમ્પિક ગેમ્સમાં રમતા જોવા મળવાના છે. હાર્દિક સિંહને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમે 2020માં ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો આ ટીમમાં સામેલ અન્ય ખેલાડીઓની વાત કરીએ તો 6 ખેલાડીઓ એવા છે જેમને પ્રથમ વખત ઓલિમ્પિકમાં રમવાની તક મળશે.
પીઆર શ્રીજેશ ગોલકીપરની જવાબદારી સંભાળશે
પેરિસ ઓલિમ્પિક 2024 માટે જાહેર કરાયેલી ભારતીય હોકી ટીમમાં અનુભવી ખેલાડી પીઆર શ્રીજેશ ગોલકીપરની જવાબદારી સંભાળશે, જ્યારે મનપ્રીત સિંહ મિડફિલ્ડર હશે. કેપ્ટન હરમનપ્રીત સિંહ ઉપરાંત ડિફેન્સ ટીમમાં સામેલ ખેલાડીઓમાં જરમનપ્રીન સિંહ, અમિત રોહિદાસ, સુમિત અને સંજયનો સમાવેશ થાય છે. ફોરવર્ડ ખેલાડીઓમાં અભિષેક, સુખજીત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય અને ગુરજંત સિંહના નામ સામેલ છે. ટીમ ઈન્ડિયાને આગામી ઓલિમ્પિક ગેમ્સમાં પૂલ બીમાં સ્થાન મળ્યું છે, જેમાં છેલ્લી વખત ગોલ્ડ મેડલ જીતનાર બેલ્જિયમની ટીમ સિવાય ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડની ટીમો સામેલ છે.
ભારતીય ટીમ 27 જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ટીમ 29 જુલાઈએ આર્જેન્ટિના સામે ટકરાશે. ત્યાર બાદ ભારતનો મુકાબલો 30 જુલાઈએ આયર્લેન્ડ, 1 ઓગસ્ટે બેલ્જિયમ અને 2 ઓગસ્ટે ઓસ્ટ્રેલિયા સામે થશે.
અહીં જુઓ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય હોકી ટીમની જાહેરાત
- ગોલકીપર – પીઆર શ્રીજેશ.
- ડિફેન્ડર્સ – જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ, સુમિત, સંજય.
- મિડફિલ્ડર – રાજકુમાર પાલ, શમશેર સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ.
- ફોરવર્ડ – અભિષેક, સુખજિત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, મનદીપ સિંહ, ગુરજંત સિંહ.
- વૈકલ્પિક ખેલાડીઓ – નીલકાંત શર્મા, જુગરાજ સિંહ, કૃષ્ણ બહાદુર પાઠક.