ભારતીય ટીમ ગ્વાલિયરના શ્રીમંત માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ તેની પ્રથમ T20 મેચ રમશે. ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનું મનોબળ ઉંચુ છે અને ભારતીય ટીમની નજર ટી20 સીરીઝ જીતવા પર હશે. રિષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા વરિષ્ઠ ખેલાડીઓને ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં તક મળી છે.
ટી20 સિરીઝમાં ભારતીય ટીમમાં 7 ખેલાડી એવા છે, જેમણે હજુ સુધી બાંગ્લાદેશ સામે ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. જેમાં અભિષેક શર્મા, સંજુ સેમસન, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા અને મયંક યાદવનો સમાવેશ થાય છે. અભિષેક અને સંજુ પ્રથમ T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે અને આ બંને ખેલાડીઓ ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. સંજુએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 30 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 444 રન બનાવ્યા છે. તે ભારતીય ટીમ સાથે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતનારી ટીમનો સભ્ય રહ્યો છે.
હર્ષિત રાણાને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે
જસપ્રીત બુમરાહ આરામ પર હોવાથી અર્શદીપ સિંહ ભારતીય ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરતા જોવા મળશે. તેને ટેકો આપવા માટે હર્ષિત રાણા અને મયંક યાદવમાંથી કોઈ એકને પ્લેઈંગ ઈલેવનમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આ બંને ખેલાડીઓએ હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું નથી. મયંક અને હર્ષિતે IPLમાં પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. મયંક 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝડપી બોલ ફેંકવામાં નિપુણતા ધરાવે છે.
બંને ટીમો વચ્ચે આ રીતે હેડ ટુ હેડ રેકોર્ડ છે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે જેમાંથી ટીમ ઈન્ડિયાએ 13માં જીત મેળવી છે અને બાંગ્લાદેશની ટીમ માત્ર એક જ વખત જીતવામાં સફળ રહી છે. બાંગ્લાદેશે વર્ષ 2019માં ભારત સામે એકમાત્ર T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી હતી.