
આ સાથે તેણે ૧૦૬ મેચમાં ૪૩૪ વિકેટ ઝડપી કપિલ દેવની બરાબરી કરી મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ બાંગ્લાદેશ સામે ડારવિનમાં પ્રથમ ટેસ્ટમાં શાદમાન ઇસ્લામની વિકેટ ઝડપી તે સૌથી વધુ વિકેટ લેનાર ડાબોડી બોલર બન્યો ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં એક શાનદાર અને ઐતિહાસિક ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે.
બાંગ્લાદેશ સામે ડારવિનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓપનર શાદમાન ઇસ્લામની વિકેટ ઝડપતાની સાથે જ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ડાબોડી બોલર બની ગયો છે. આ રેકોર્ડ સાથે તેણે વૈશ્વિક સ્તરે પોતાની શ્રેષ્ઠતા વધુ એકવાર સાબિત કરી છે.
૩૬ વર્ષીય મિચેલ સ્ટાર્કે આ મામલામાં શ્રીલંકાના મહાન સ્પિનર રંગના હેરાથને પાછળ છોડી દીધો છે. આ ઉપરાંત, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તેણે ભારતના મહાન કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલ દેવની બરાબરી પણ કરી લીધી છે. બાંગ્લાદેશની પહેલી ઇનિંગ દરમિયાન નવમી ઓવરમાં સ્ટાર્કે આ સફળતા મેળવી હતી. મિચેલ સ્ટાર્કે માત્ર ૧૦૬ મી ટેસ્ટ મેચમાં જ ૪૩૪ વિકેટોનો આંકડો સ્પર્શી લીધો છે, જ્યારે કપિલ દેવે ૧૩૧ ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી.
હવે મિચેલ સ્ટાર્કની નજર ટેસ્ટ ક્રિકેટના ઓલ-ટાઇમ ટોપ-૧૦ બોલરોની યાદીમાં સ્થાન મેળવવા પર છે. સાઉથ આફ્રિકાના મહાન ઝડપી બોલર ડેલ સ્ટેન ૪૩૯ વિકેટો સાથે આ યાદીમાં ૧૦મા ક્રમે છે. સ્ટાર્ક હાલ ડેલ સ્ટેનથી માત્ર ૬ વિકેટ પાછળ છે, અને ટોપ-૧૦માં પહોંચવા માટે તેને હવે માત્ર થોડી જ વિકેટોની જરૂર છે. તેની શાનદાર બોલિંગ રફતાર જાેતા તે જલદી જ આ મુકામ પણ હાસિલ કરી લેશે તેવી પૂરી સંભાવના છે.
ઓક્ટોબર ૨૦૧૦ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર મિચેલ સ્ટાર્કે પોતાની ઝડપી ગતિ, સ્વિંગ અને ઘાતક યોર્કરથી દુનિયાભરના બેટ્સમેનોને પરેશાન કર્યા છે. તે પોતે વિશ્વના ખુબ જ જુજ ખેલાડીઓ પૈકીના એક છે જેમણે વનડે વર્લ્ડ કપ, ટી-૨૦ વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ખિતાબ જીત્યા છે. વર્ષ ૨૦૧૫ના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે તેમને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ‘ જાહેર કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૨૫માં તેમણે ટી-૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી.




