
૮૭ ટેસ્ટમાં ફટકાર્યા ૬૨૦૬ રન અને ૧૬ સદી.ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ લીધો સંન્યાસ.ઈંગ્લેન્ડ સામે એશિઝની છેલ્લી ટેસ્ટ પહેલા ખ્વાજાએ નિવૃત્તિની જાહેરાત કરી : સિડનીમાં છેલ્લી મેચ રમશે.નવા વર્ષની શરૂઆત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક દિગ્ગજના સંન્યાસ સાથે થઈ છે. ઈંગ્લેન્ડ સામે એશિઝની છેલ્લી ટેસ્ટ પહેલા ઉસ્માન ખ્વાજાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. ઉસ્માન ખ્વાજા સિડનીમાં પોતાના કરિયરની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આ સાથે ઘણા દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. સિડનીમાં રવિવાર ૪ જાન્યુઆરીથી એશિઝ સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થશે. સંન્યાસની જાહેરાત સાથે ખ્વાજાએ નસ્લભેદના આરોપ પણ લગાવી દીધો છે.
સિડની ટેસ્ટના બે દિવસ પહેલા શુક્રવાર ૨ જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટર ઉસ્માન ખ્વાજાએ એક પત્રકાર પરિષદમાં પોતાના સંન્યાસની જાહેરાત કરી છે. આ સાથે ઠીક ૧૪ વર્ષ બાદ તે જગ્યાએ તેના કરિયરનો અંત આવશે, જ્યાં ૨૦૧૧મા શરૂ થયું હતું. ખ્વાજાએ ૨૦૧૧મા પણ ઈંગ્લેન્ડ સાથે એશિઝ ટેસ્ટ દરમિયાન પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સિડનીના રહેવાસી ખ્વાજાએ પોતાના હોમ ગ્રાઉન્ડથી ફર્સ્ટ ક્લાસ કરિયરની પણ શરૂઆત કરી હતી અને હવે તે ત્યાં અંતિમ મેચ રમશે.
જાેકે, નિવૃત્તિની જાહેરાત બાદ, ખ્વાજાએ એક પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયન મીડિયા અને ભૂતપૂર્વ ક્રિકેટરો પર આકરા પ્રહારો કર્યા, અને આરોપ લગાવ્યો કે, તેમની આખી કારકિર્દીની જેમ, આ શ્રેણી દરમિયાન પણ તેમને પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો, જેમાં જાતિવાદના સંકેતો હતા. ખ્વાજાએ કહ્યું, “હું એક અશ્વેત ક્રિકેટર છું… મને ઘણી રીતે અલગ લાગ્યું, મારી સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું, જે રીતે વસ્તુઓ બની. મારી પીઠમાં જડતા હતી (પર્થ ટેસ્ટ દરમિયાન), જે મારા નિયંત્રણની બહાર હતી. પરંતુ મીડિયા અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ જે રીતે મારા પર હુમલો કર્યો, તે હું બે દિવસ સુધી સહન કરી શક્યો હોત, પરંતુ મારે તે સતત પાંચ દિવસ સુધી સહન કરવું પડ્યું, અને તે મારા પ્રદર્શન વિશે પણ નહોતું.”
પર્થમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ફીલ્ડિંગ દરમિયાન પીઠમાં દુખાવાને કારણે તે બંને ઈનિંગમાં બેટિંગ કરી શક્યો નહોતો. આ મેચ પહેલા તે ગોલ્ફ રમી રહ્યો હતો. જેથી તેના પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ખ્વાજાએ કહ્યુ કે તેને આળસુ કહેવામાં આવ્યો, તેની તૈયારી પર સવાલ ઉઠાવવામાં આવ્યા, તેને સ્વાર્થી કહેવામાં આવ્યો, જ્યારે ઘણા અન્ય ખેલાડી પણ ગોલ્ફ રમતા ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ તેને કોઈ રીતે નિશાન બનાવવામાં આવ્યા નથી. ખ્વાજાએ કહ્યુ કે કરિયરની શરૂઆતથી તેને આ પ્રકારના અલગ વર્તનનો સામનો કરવો પડ્યો, જેમાં જાતિવાદની ઝલક જાેવા મળે છે. કરિયરની વાત કરીએ તો ૩૯ વર્ષના પાકિસ્તાની મૂળના બેટર ખ્વાજાએ ઓસ્ટ્રેલિયા માટે સિડની ટેસ્ટ પહેલા ૮૭ મેચની ૧૫૭ ઈનિંગમાં ૪૩ની એવરેજથી ૬૨૦૬ રન બનાવ્યા છે. તેણે આ દરમિયાન ૧૬ સદી અને ૨૮ અડધી સદી ફટકારી છે. તો ૪૦ વનડે મેચમાં તે ૧૫૫૪ રન બનાવી ચૂક્યો છે, જેમાં ૨ સદી અને ૧૨ અડધી સદી સામેલ છે. ખ્વાજાએ ૯ ટી૨૦ મેચમાં ૨૪૧ રન બનાવ્યા છે.




