Team India: 2 જૂનથી શરૂ થઈ રહેલા ICC T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 1 મેના રોજ કરવામાં આવશે. જો કે 25 મે સુધી ટીમ ઈન્ડિયામાં ફેરફારની શક્યતા છે. અમેરિકામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના અભિયાનની શરૂઆત 5 જૂને આયર્લેન્ડ સામેની મેચથી થવાની છે. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 29 જૂને રમાશે.
ICCએ તમામ ટીમોને 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરવા માટે 1 મે સુધીનો સમય આપ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ BCCI દ્વારા 1 મેના રોજ જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. 1 મે સુધીમાં IPLની અડધાથી વધુ મેચો રમાઈ ચૂકી હશે અને IPL દરમિયાન સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર ધ્યાન જાય તેવી શક્યતા છે. એટલું જ નહીં ICCએ ટીમમાં ફેરફાર કરવા માટે 25 મે સુધીનો સમય પણ આપ્યો છે. આવી સ્થિતિમાં આઈપીએલ ફાઈનલ પહેલા જ ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે. આઈપીએલની ફાઈનલ 26 મેના રોજ રમાવાની છે.
રોહિત શર્મા કેપ્ટન રહેશે
જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે T20 વર્લ્ડ કપમાં કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્મા પાસે રહેશે. T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન હશે. આ સિવાય વિરાટ કોહલીને પણ T20 વર્લ્ડ કપમાં રમવાની તક મળશે તે લગભગ નિશ્ચિત છે. T20 વર્લ્ડ કપ દરમિયાન જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળતા જોવા મળી શકે છે.
રોહિત શર્માની સાથે યશસ્વી જયસ્વાલ ઓપનિંગની જવાબદારી નિભાવતી જોવા મળશે. સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર રમી શકે છે. સંજુ સેમસન અથવા જીતેશ શર્મા બંનેમાંથી એકની પાસે વિકેટકીપિંગની જવાબદારી હશે. રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ સ્પિન વિભાગની કમાન સંભાળી શકે છે.