ચીનના હેનાન પ્રાંતમાં એક પ્રાથમિક બોર્ડિંગ સ્કૂલના ડોર્મિટરીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. ચીનના સરકારી મીડિયા શિન્હુઆ અનુસાર, યાનશાનપુ ગામના સ્થાનિક લોકોએ શુક્રવારે (19 જાન્યુઆરી) રાત્રે 11 વાગ્યે યિંગકાઈ સ્કૂલમાં આગની જાણ કરી હતી.
સિન્હુઆના જણાવ્યા અનુસાર, ‘બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાત્રે 11:38 વાગ્યે આગને કાબૂમાં લેવામાં આવી. જોકે, હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે મૃત્યુ પામેલાઓમાં કેટલા વિદ્યાર્થીઓ હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે અને હાલ તેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્થાનિક મીડિયાની માહિતી અનુસાર, પોલીસ દ્વારા શાળાના માલિકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
સૌથી ગીચ વસ્તી ધરાવતા દેશોમાંના એક હોવા છતાં સલામતીના ધોરણોના અભાવને કારણે ચીનના ઘણા પ્રાંતોમાં આગની ઘટનાઓ અને સમાન જોખમો સામાન્ય છે.
સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો
શાળામાં આગની ઘટના બાદ લોકોએ ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને સુરક્ષામાં કોઈપણ ખામી માટે જવાબદારોને સજાની માંગ કરી હતી. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, ચીનના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું, આ ખૂબ જ ડરામણું છે, 13 પરિવારના 13 બાળકો, બધા એક જ ક્ષણમાં ચાલ્યા ગયા.