Somalia : સોમાલિયાની રાજધાની મોગાદિશુ રવિવારે જોરદાર વિસ્ફોટથી હચમચી ગયું હતું. અહીં એક કેફેની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે. સોમાલી પોલીસના પ્રવક્તા મેજર અબ્દિફિતાહ એડેન હસાએ જણાવ્યું હતું કે કેટલાક લોકો કાફેની અંદર ટીવી પર સ્પેન અને ઈંગ્લેન્ડ વચ્ચે યુરોપિયન ચેમ્પિયનશિપ ફૂટબોલની ફાઈનલ મેચ જોઈ રહ્યા હતા ત્યારે બહાર કારમાં વિસ્ફોટ થયો હતો. આ કાર વિસ્ફોટકોથી ભરેલી હતી. વિસ્ફોટ બાદ ગભરાટ ફેલાયો હતો અને લોકો અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા.
ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે
સોમાલી પોલીસના પ્રવક્તા મેજર અબ્દિફિતાહ એડેન હસાએ પત્રકારોને જણાવ્યું કે હુમલામાં ઓછામાં ઓછા 20 અન્ય લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં વિસ્ફોટ બાદ કેફેની બહાર આગ દેખાઈ રહી છે. હસાએ કહ્યું કે વિસ્ફોટ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં, હજુ સુધી કંઈપણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
નાસભાગ મચી ગઈ
ઘટનાસ્થળના એક પ્રત્યક્ષદર્શી ઈસ્માઈલ અદેને ફોન પર જણાવ્યું કે, “કેટલાક સમર્થકો કાફેની દિવાલ પર ચઢવાનો પ્રયાસ કરતા ઘાયલ થયા હતા, જ્યારે અન્ય લોકો નાસભાગમાં ઘાયલ થયા હતા.” તેમણે કહ્યું કે વિસ્ફોટ સમયે મોટાભાગના પીડિત લોકો રસ્તા પર હતા. હુમલા પાછળ કોણ જવાબદાર હતું તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. સોમાલિયાની સરકાર આતંકવાદી સંગઠન ‘અલ-શબાબ’ વિરુદ્ધ આક્રમક અભિયાન ચલાવી રહી છે. અમેરિકાએ આ જૂથને અલ-કાયદાનું સૌથી ખતરનાક સંગઠન ગણાવ્યું છે.