
નેપાળના Gen-Z ‘હીરો‘ બાલેન શાહથી લોકોનો મોહભંગ! નેપાળના વડાપ્રધાન બાલેન શાહની લોકપ્રિયતા ૧૫૦ દિવસમાં ઘટી તાજેતરમાં જ ભારત-નેપાળ સરહદ સંબંધી વિવાદ સામે આવ્યો હતો, જેના કારણે બાલેન શાહ સરકારની વ્યૂહાત્મક મુશ્કેલી વધી
નેપાળના વડાપ્રધાન બાલેન શાહે સત્તા પર ૧૫૦ દિવસ પુરા કર્યા છે, જાેકે હવે તેમની લોકપ્રિયતામાં મોટો ઘટાડો થયો છે.
જ્યારે દેશમાં જેન-ઝી આંદોલન થયું હતું, ત્યારે યુવાઓએ બાલેનને આશાસ્પદ નેતા અને જૂની રાજકીય સિસ્ટમ વિરુદ્ધ નવા ચહેરા તરીકે પસંદ કર્યા હતા. જાેકે હવે તેમના શાસન પર જ સવાલો ઉઠી રહ્યા છે. તેમની જ પાર્ટીમાં ખેંચતાણ, વ્યૂહાત્મક વિવાદ અને જાહેરમાં વધતી સતત નારાજગીના કારણે બાલેન શાહની મુશ્કેલીઓ વધારી દીધી છે.
બાલેન શાહ ૨૭ માર્ચ-૨૦૨૬ના રોજ વડાપ્રધાન બન્યા હતા. તે પહેલા તેઓ કાઠમંડૂના મેયર હતા. બાલેન એન્જિનિયરિંગની સાથે રેપર તરીકે પણ ખૂબ જાણીતા છે. તેમણે માર્ચમાં યોજાયેલી ચૂંટણીમાં ચાર વખતના વડાપ્રધાન રહેલા કે.પી.શર્મા ઓલીને તેમના જ ગઢ ઝાપામાં હરાવ્યા હતા અને રાષ્ટ્રીય સ્વતંત્રતા પાર્ટી (RSP)ને મોટી જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
વાસ્તવમાં તાજેતરમાં જ ભારત-નેપાળ સરહદ સંબંધી વિવાદ સામે આવ્યો હતો, જેના કારણે બાલેન શાહ સરકારની વ્યૂહાત્મક મુશ્કેલી વધી ગઈ છે. ભારત સાથે સંબંધોને લઈને બાલેનની નીતિની ઘણી ચર્ચા ચાલી રહી છે. તેમણે કેટલાક વિદેશી અધિકારીઓને મળવાનું પણ ટાળ્યું હતું, જાેકે તેમણે ૧૦ ઓગસ્ટના રોજ ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવ અને ચીનના રાજદૂત ઝાંગ માઓમિંગ સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી.
આ વિવાદ વચ્ચે RSP ના અધ્યક્ષ રવિ લામિછાનેએ ભારતનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ.જયશંકર સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ કારણે બાલેન અને તેમની પાર્ટીની અંદરના નેતૃત્વને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. બાલેન સરકારની મુશ્કેલી ત્યારે વધી જ્યારે જુલાઈમાં કાઠમંડૂમાં રાઈડ-શેર ડ્રાઈવર ગણેશ નેપાલીના મોતનો મામલો ચગ્યો હતો, જેના કારણે યુવાઓ ગુસ્સે થઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.
નેપાળના દક્ષિણ વિસ્તારોમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થતાં સરકાર વધુ મુશ્કેલીમાં મુકાઈ હતી. આ મામલે બાલેન શાહે જાહેરમાં અપીલ પણ કરવી પડી હતી. બાલેન સંસદ અને પાર્ટીથી દૂરી વધારી રહ્યા છે, જે તેમના માટે મોટો સવાલ બની ગયો છે. ૨૧ ઓગસ્ટના રોજ તેઓ પાર્ટીની કેન્દ્રીય સમિતિની મુખ્ય બેઠકમાં સામેલ થયા ન હતા. આ ઉપરાંત તેઓ સંસદમાં ૩૯ સત્રોમાંથી માત્ર પાંચ વખત આવ્યા હતા. આ જ કારણે સ્પીકરે બાલેનને ૨૬ ઓગસ્ટના રોજ ગૃહના સવાલ-જવાબ સત્રમાં હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.
આ તમામ ઘટનાક્રમથી લાગી રહ્યું છે કે, જે નેતાએ પોતાની ઓળખ દેશમાં બદલાવ અને નવી રાજનીતિથી ઊભી કરી હતી, હવે તેઓ પોતાની જ સરકારને સ્થિર રાખવામાં અને પ્રજાનો વિશ્વાસ જાળવવામાં નિષ્ફળ જતા જાેવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં સંસદ, પાર્ટી અને પ્રજા વચ્ચે બાલેન શાહનું નિવેદન તે નક્કી કરશે કે, તેમની રાજકીય ઓળખ ઉભી થવાનું કારણ જેન-ઝીનું સમર્થન માત્ર એક લહેર હતી કે તેઓ લાંબા ગાળે રાજનીતિ બદલવામાં સફળ રહેશે” તેવો સુધારો કરવો જરૂરી છે.




