
ઘરવાપસી માટે ફ્રી એર ટિકિટ સાથે ૨.૪ લાખ રોકડા! અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયો માટે ઓફર અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતાં ઇમિગ્રાન્ટ્સને સ્વદેશ પરત મોકલવા ટ્રમ્પના તંત્ર દ્વારા પ્રોજેક્ટ હોમકમિંગ શરૂ
અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા ઇમિગ્રાન્ટ્સ, ખાસ કરીને ભારતીયો માટે પ્રેસિડેન્ટ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક યોજના અમલમાં મૂકવામાં આવી છે. પ્રોજેક્ટ હોમકમિંગ નામની આ યોજના હેઠળ ગેરકાયદેસર વસાહતીઓને કોઈ પણ જાતની કાયદાકીય કનડગત વગર પોતાના દેશ પરત ફરવાની સુવર્ણ તક આપવામાં આવી રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ઇમિગ્રાન્ટ્સને સન્માનજનક એકિઝટ આપવાનો છે. જે પ્રવાસીઓ પોતાની સ્વેચ્છાએ અમેરિકા છોડી વતન પરત જવાનો ર્નિણય લેશે, તેમને સરકાર નીચે મુજબની સુવિધાઓ આપશે. વતન પરત જવા માટેનો હવાઈ મુસાફરીનો સંપૂર્ણ ખર્ચ અમેરિકા સરકાર ભોગવશે. મુસાફરીના ખર્ચ ઉપરાંત, વ્યક્તિ દીઠ ૨,૬૦૦ ડોલર (આશરે રૂ.૨.૪ લાખ) રોકડા પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે. આ પ્રક્રિયામાં કોઈ ધરપકડ કે હાથકડીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. મુસાફર એક સામાન્ય પેસેન્જરની માફક જ પોતાના દેશ જઈ શકશે.
અમેરિકાના ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, આ સેલ્ફ ડિપોર્ટેશન યોજના પાછળ આર્થિક ગણિત પણ છુપાયેલું છે. સરકારી આંકડાઓ મુજબ એક વ્યક્તિને બળજબરીપૂર્વક ડિપોર્ટ (દેશનિકાલ) કરવા પાછળ સરકારને આશરે ઇં૧૮,૨૪૫ નો ખર્ચ થાય છે. જ્યારે પ્રોજેક્ટ હોમકમિંગ દ્વારા આ ખર્ચ ઘટીને માત્ર $5,100 થઈ જશે. આનાથી અમેરિકાના કરદાતાઓના કરોડો ડોલરની બચત થશે અને વહીવટી પ્રક્રિયા પણ સરળ બનશે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી ૨૦૨૫ થી અત્યાર સુધીમાં આશરે ૨૨ લાખથી વધુ લોકો આ યોજનાનો લાભ લઈ સ્વદેશ પરત ફરી ચૂક્યા છે.




