
ખાડી દેશોમાં ‘એનર્જી વોર’ ઈરાને કતારના ગેસ પ્લાન્ટ ફૂંક્યા, ૧૨ દેશોએ આપી ગંભીર ચેતવણી આ ૧૨ ઈસ્લામિક દેશોએ ઈરાનને હુમલા રોકીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરવા કહ્યું છે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધમાં ભયંકર તબાહી સર્જાઈ રહી છે. સ્થિતિ એવી છે કે, ઈરાનના પડોશી દેશો પણ યુદ્ધની ઝપેટમાં આવી ગયા છે. ઈઝરાયલે ગઈકાલે ઈરાનના સૌથી મોટા ઓઇલ-ગેસ ઈન્ફ્રાસ્ટ્રકચર હુમલો કર્યો હતો, ત્યારબાદ ઈરાને પણ કતાર અને સંયુક્ત આરબ અમીરાતના ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો છે.
આ તબાહી બાદ ૧૨ અરબ અને ઈસ્લામિક દેશોએ રોષ ઠાલવ્યો છે અને ઈરાનના હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. આ દેશોએ ઈરાનને હુમલા રોકીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરવા કહ્યું છે.
સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં ગુરુવારે યોજાયેલી બેઠક આ ૧૨ દેશોની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ અજરબૈજાન, બેહરીન, ઈજિપ્ત, જાેર્ડન, કુવૈત, લેબેનોન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, તુર્કેઈ અને સંયુક્ત આરબ અમિરાતના મંત્રીઓએ સંયુક્ત નિવેદન જાહેર કરી ઈરાનને તાત્કાલીક હુમલાઓ રોકવા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા કહ્યું છે.
સંયુક્ત નિવેદનમાં જાેર્ડર, અજરબૈજાન અને તુર્કેઈએ ઈરાની હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રીઓએ કહ્યું કે, ઈરાને રહેણાંક વિસ્તારો, તેલ પ્લાન્ટ, એરપોર્ટ, રહેણાંક બિલ્ડિંગો અને ડિપ્લોમેટિક સ્થળોને ટાર્ગેટ કર્યા હતા.
ઈરાને રાસ લફ્ફાન ઔદ્યોગિક શહેરને ટાર્ગેટ કર્યું હોવાનો કતારે આક્ષેપ કર્યો છે. કતારે કહ્યું કે, ઈરાને કરેલા હુમલાઓ સંયુક્ત રાષ્ટ્ર પરિષદના પ્રસ્તાવ ૨૮૧૭નું ઉલ્લંઘન છે. હુમલા બાદ કતારે ઈરાની દુતાવાસ, સૈન્ય સ્થળો, ઓફિસો ખાલી કરવાનો અને તેના સ્ટાફને ૨૪ કલાકમાં દેશ છોડવાનો આદેશ આપી દીધો છે.




