
બેનાં મોત: રહેણાંક મકાનો, શાળાઓ અને દુકાનોમાં ઠેર-ઠેર આગ લાગી રશિયાનો કીવમાં હાઇપરસોનિક ઓરેશ્નિક મિસાઇલથી હુમલો: અનેક ઇમારતો ધ્વસ્ત યુક્રેનિયન હવાઈ સંરક્ષણ દળોએ ૫૪૯ ડ્રોન અને ૫૫ મિસાઇલોને નષ્ટ કરી અથવા નિષ્ક્રિય બનાવી દીધી હતી રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર શક્તિશાળી હાઇપરસોનિક ઓરેશ્નિક બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરીને મોટાપાયે ખાનાખરાબી સર્જી છે.. આ હુમલામાં ઓછામાં ઓછા બે લોકોનાં મોત થયા હતા અને ૧૦૦થી વધુ લોકોને ઇજા પહોંચી છે. ચાર વર્ષથી ચાલતા યુદ્ધ દરમિયાન ત્રીજી વખત રશિયાએ આ હથિયારનો ઉપયોગ કર્યાે છે.યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કીએ આ માહિતી આપી હતી. આ ભારે હવાઈ હુમલાથી યુક્રેનની રાજધાની કીવમાં અનેક ઇમારતોને નુકસાન થયું છે. જેમાં સરકારી કચેરીઓની આસપાસના વિસ્તાર, રહેણાંક મકાનો, શાળાઓ અને બજારનો સમાવેશ થાય છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૮૩ લોકો ઘાયલ થયા હતા.રાતભર હવાઈ હુમલાની ચેતવણી આપતા સાઇરન વાગતા રહ્યા હતા અને હુમલાઓ પછી શહેરમાં ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. શહેરના કેન્દ્ર અને સરકારી ઇમારતોની નજીક જાેરદાર વિસ્ફોટોના અવાજાે સાંભળ્યા હતા. યુક્રેનની વાયુસેનાના જણાવ્યા અનુસાર, આ રશિયાએ કરેલાં પ્રચંડ હુમલામાં ૬૦૦ ડ્રોન અને હવા, સમુદ્ર તથા જમીન પરથી છોડવામાં આવેલી ૯૦ મિસાઇલોનો સમાવેશ થયો હતો. યુક્રેનિયન હવાઈ સંરક્ષણ દળોએ ૫૪૯ ડ્રોન અને ૫૫ મિસાઇલોને નષ્ટ કરી અથવા નિષ્ક્રિય બનાવી દીધી હતી. વાયુસેનાએ જણાવ્યું કે આશરે ૧૯ મિસાઇલો પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી. અલ્બેનિયાના વિદેશ મંત્રી ફેરીટ હોક્સાએ જણાવ્યું હતું કે હુમલા દરમિયાન યુક્રેનમાં અલ્બેનિયાના રાજદૂતના નિવાસસ્થાનને પણ નિશાન બનાવાયું હતું. તેમણે આ ઘટનાને “અસ્વીકાર્ય” અને “ગંભીર ઉશ્કેરણી” ગણાવી હતી.પરમાણુ અથવા પરંપરાગત વોરહેડ વહન કરવાની ક્ષમતા ધરાવતી ઓરેશ્નિક મિસાઇલ કીવ પ્રદેશના બિલા સેરક્વા શહેર પર પડી હતી, એમ ઝેલેન્સ્કીએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું. યુક્રેનના શુક્રવારના હુમલાના બદલા રૂપે રશિયાએ પ્રતિહુમલો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે આ હથિયારના ઉપયોગની પુષ્ટિ કરી હતી. મંત્રાલયે જણાવ્યું કે અન્ય પ્રકારની મિસાઇલો સાથે મળીને યુક્રેનની “સૈન્ય કમાન્ડ અને નિયંત્રણ સુવિધાઓ”, એરબેસ અને સૈન્ય ઉદ્યોગોને નિશાન બનાવવામાં આવ્યા હતા.



