
ઈરાને દાવાનો છેદ ઉડાવ્યો! ટ્રમ્પનો દાવો-આ વીકેન્ડ સુધીમાં ઈરાન સાથે સમજૂતી થઈ જશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન સાથેના તણાવ અને પીસ ડીલ પર મોટો દાવો કર્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ફરીથી એક મોટો દાવો કરી નાખ્યો છે. ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિ કાર્યાલમાં મીડિયાકર્મીઓ સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે સમજૂતિ મુદ્દે સહમતિ બની ગઈ છે અને આ વીકેન્ડમાં તેને અંતિમ સ્વરૂપ આપી દેવાશે. બીજી બાજુ ઈરાને તો ટ્રમ્પના આ દાવાને મજાકમાં લીધો અને તેને માત્ર અટકળો ગણવ્યો.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે હાલ ઈરાન સાથે યુદ્ધ અંગે એક શાનદાર સમજૂતિ કરી છે અને હવે બસ તેને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. આગામી થોડા દિવસોમાં આ કામ પતી જવું જાેઈએ. કદાચ યુરોપમાં આ સમજૂતિ પર હસ્તાક્ષર થશે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે જ્યારે ઓઈલના ભાવ ઓછા હોય છે ત્યારે બાકી ચીજાેના ભાવ પણ ઘટે છે. સૌથી મહત્વની વાત એ છે કે અમારી પાસે એક એવી સમજૂતિ છે જે હેઠળ ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયારો નહીં હોય, આ જ અમારો હેતુ હતો જેના માટે અમે આટલી મથામણ કરી. જલદી તેના પર હસ્તાક્ષર થશે અને કાગળો લગભગ તૈયાર છે. આ કામ ઝડપથી થઈ જવું જાેઈએ.
હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ પર ટ્રમ્પે કહ્યું કે અમે એવા અનેક જહાજ બહાર કાઢી રહ્યા છીએ જેના વિશે કોઈને ખબર નહતી. ગત મહિનેથી અમે રાતના સમયે ચૂપચાપ મોટા જહાજ બહાર કાઢી રહ્યા છીએ. અમે તેમના (ઈરાન) રડાર અને બાકી વસ્તુઓ પર બોમ્બ વરસાવ્યા જેથી કરીને તેમને ખબર ન પડે કે શું થઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ રસ્તેથી અનેક જહાજ અને ઘણું ઓઈલ બહાર આવી રહ્યું છે. જેવા અમે સહી કરીશું કે જળમાર્ગ અધિકૃત રીતે ખુલી જશે. આ બહુ જલદી થઈ શકે છે. કદાચ યુરોપમાં વીકેન્ડ દરમિયાન. હું ત્યાં નહીં જઈ શકું. પરંતુ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને કેટલાક લોકો ત્યાં હશે, સ્ટીવ વિટકોફે ઘણું સારું કામ કર્યું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે ઈરાન સાથે શાંતિ સમજૂતિ કેટલી જલદી ફાઈનલ થશે તો તેમણે કહ્યું કે બહુ જલદી થશે, કદાચ આ વીકેન્ડમાં. શું ઈરાનના સુપ્રીમ લીડરે ડીલની શરતોને મંજૂરી આપી દીધી તો તેમણે કહ્યું કે હું સમજૂ છું કે તેનો જવાબ હા છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ડીલ સાઈન થતા જ અમેરિકા તરત બ્લોકેડ હટાવી લેશે તો તેમણે કહ્યું કે, હાં આ સાચુ છે. આ ડીલનો ભાગ છે અને તેનાથી ઓઈલના ભાવ ઝડપથી ઘટશે. શું ડીલ ફાઈનલ થયા બાદ ઈરાને ન્યૂક્લિયર હથિયાર ન બનાવવાનું વચન આપ્યું છે? આ સવાલના જવાબ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની પાસે ન્યૂક્લિયર હથિયારો નહીં હોય. આ માટે તેઓ સહમત થઈ ગયા છે. તેઓ કોઈ પણ પ્રકારે ન્યૂક્લિયર હથિયારો નહીં ખરીદે કે ન તો તેને વિક્સિત કરશે.



