
પશ્ચિમ એશિયામાં તણાવ હવે તેની ચરમસીમા વટાવી ગયો ટ્રમ્પના હોર્મુઝ અલ્ટીમેટમ વચ્ચે તેહરાનમાં ભીષણ હુમલો ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ને ફરીથી ખોલવા માટે ઈરાનને મંગળવાર સાંજ સુધીનો છેલ્લો અલ્ટીમેટમ આપ્યું છે પશ્ચિમ એશિયામાં તણાવ હવે તેની ચરમસીમા વટાવી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ને ફરીથી ખોલવા માટે ઈરાનને મંગળવાર સાંજ સુધીનો છેલ્લો અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પની આ ધમકી અને તેહરાનમાં થયેલા તાજેતરના વિસ્ફોટોએ સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાવી દીધો છે, જેના પગલે બહેરીન જેવા પાડોશી દેશોએ પણ પોતાના નાગરિકો માટે એડવાયઝરી જારી કરી દીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત આક્રમક તેવર બતાવતા સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે કે જાે મંગળવાર સાંજ સુધીમાં ઈરાન હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ આંતરરાષ્ટ્રીય જહાજાે માટે નહીં ખોલે, તો અમેરિકા સીધો સૈન્ય હુમલો કરશે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે મંગળવાર ઈરાન માટે ‘પાવર પ્લાન્ટ ડે‘ અને ‘બ્રિજ ડે‘ સાબિત થશે, જેનો અર્થ છે કે અમેરિકી વાયુસેના ઈરાનના વીજળી મથકો અને મહત્વના પુલોને નિશાન બનાવીને તેને અંધકારમાં ધકેલી દેશે
ટ્રમ્પની આ ધમકી પર ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પના બેદરકાર પગલાં અમેરિકાને પણ ‘જીવંત નરક‘ માં ધકેલી દેશે અને યુદ્ધ અપરાધો દ્વારા અમેરિકા કશું જ હાંસલ કરી શકશે નહીં. ઈરાની સૈન્યએ પણ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે ટ્રમ્પની ધમકીઓ માત્ર ભ્રામક છે અને આ ક્ષેત્રમાં અમેરિકાએ જે અપમાન સહન કરવું પડ્યું છે તેની ભરપાઈ તે ક્યારેય નહીં કરી શકે.
અહેવાલો અનુસાર, સોમવારે દિવસભર ઈરાન પર થયેલા અમેરિકી અને ઇઝરાયલી હુમલામાં આશરે ૩૪ લોકોના મોત થયા છે. જવાબમાં ઈરાને પણ ગલ્ફના દેશોમાં આવેલા અમેરિકી અને ઇઝરાયલી ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા તેજ કર્યા છે. આ દરમિયાન, ગાઝામાં પણ સ્થિતિ વણસી છે, જ્યાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનોને આશ્રય આપતી એક શાળા નજીક ઇઝરાયલી હવાઈ હુમલામાં વધુ ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વિશ્વભરમાં તેલ અને ગેસના પુરવઠા પર અસર પડી રહી છે. મધ્યસ્થી દેશો દ્વારા મોકલવામાં આવેલા યુદ્ધવિરામના પ્રસ્તાવ પર ઈરાનનો પ્રતિભાવ હકારાત્મક હોવા છતાં, ટ્રમ્પે તેને ‘અપૂરતો‘ ગણાવ્યો છે. હવે સમગ્ર વિશ્વની નજર મંગળવારની એ સમયમર્યાદા પર છે,
જે કદાચ પશ્ચિમ એશિયાના નકશા અને ભવિષ્યને કાયમ માટે બદલી શકે છે. જાે મંગળવારે ટ્રમ્પ પોતાની ધમકી મુજબ કાર્યવાહી કરશે, તો દુનિયાએ એક મોટા મહાયુદ્ધનો સામનો કરવો પડી શકે છે.




