
આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ શ્રીનગરમાંથી ૨ પાકિસ્તાની સહિત ૫ આતંકીઓ ઝડપાયા આ દરોડા દરમિયાન પોલીસે મોડ્યુલ સાથે સંબંધિત ઘણા વાંધાજનક અને મહત્વપૂર્ણ પુરાવા પણ રિકવર કર્યા છે શ્રીનગર પોલીસે મોટી કાર્યવાહી કરતા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલા એક આંતરરાજ્ય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં ૨ પાકિસ્તાની આતંકવાદીઓ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ૫ આતંકીઓમાં એક લશ્કર-એ-તૈયબાનો ખૂંખાર આતંકી અબદુલ્લા ઉર્ફે અબૂ હુરેરા પણ સામેલ છે. પોલીસ અબૂ હુરેરાને ૧૬ વર્ષથી શોધી રહી હતી.
અબૂ હુરેરા છેલ્લા ૧૬ વર્ષથી ફરાર હતો. તે જમ્મુ-કાશ્મીરની બહાર લશ્કર-એ-તૈયબાના ઠેકાણા બનાવવામાં સફળ રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે અબૂ હુરેરા ઉપરાંત અન્ય એક પાકિસ્તાની આતંકવાદી ઉસ્માન ઉર્ફે ખુબૈબની પણ આ મોટી કાર્યવાહીમાં ધરપકડ કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીર પોલીસે એક સુનિયોજિત ઓપરેશન હેઠળ રાજસ્થાન અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ૧૯ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે મોડ્યુલ સાથે સંબંધિત ઘણા વાંધાજનક અને મહત્વપૂર્ણ પુરાવા પણ રિકવર કર્યા છે. હાલમાં ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, અને કેસની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મોડ્યૂલ દેશના વિવિધ રાજ્યોમાં રહીને લશ્કર-એ-તૈયબા માટે લોજિસ્ટિકલ સપોર્ટ, ફંડિંગ અને યુવાઓને ફસાવવાનું કામ કરી રહ્યું હતું. ધરપકડ કરાયેલા બે પાકિસ્તાની આતંકવાદીઓની હાજરી એ સૂચવે છે કે સરહદ પારથી એક મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. સુરક્ષા એજન્સીઓ આ કાર્યવાહીને લશ્કરના સ્લીપર સેલ નેટવર્ક માટે એક મોટો ઝટકો માની રહી છે.




